પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 22 માછીમારો માદરે વતન પહોંચ્યા
- માછીમારો તેમના પરિવારજનોને મળતા ભાવવિભાર થયાં
- વાઘા બોર્ડરથી તમામ માછીમારોને વેરાવળ લવાયા
- મુક્ત થયેલા 22 માછીમારોમાંથી 18 ગુજરાતના છે
વેરાવળઃ દરિયામાં માછીમારી દરમિયાન પાકિસ્તાનની મરીન એજન્સીએ પકડેલા અને પાકિસ્તાનની જેલમાં બે વર્ષથી કેદ થયેલા 22 માછીમારોને છોડી મુકાતા માછીમારો વાઘા બોર્ડરથી પોતાના માદરે વતન પરત ફર્યા હતા. ફિશરિઝ વિભાગના અધિકારીઓએ વાઘા બોર્ડર પરથી માછીમારોનો કબજો મેળવ્યો હતો. તમામ માછીમારોને વેરાવળ લવાયા હતા. જ્યાં તેમના પરિવારજનો સાથે મુલાકાત દરમિયાન ભાવવિભોર બન્યા હતા.
પાકિસ્તાનની જેલમાં છેલ્લા બે 2 વર્ષ કરતા પણ વધુ સમયથી જેલમાં રહેલા ભારતના 22 જેટલા માછીમારોમે મુક્ત કરતા માછીમારો વાઘા બોર્ડરથી આજે વતન પરત ફર્યા હતા. 22 માછીમારોને વાઘા બોર્ડર પરથી ભારતના અધિકારીઓને સુપ્રત કર્યા બાદ ફિશરીઝ વિભાગે તમામ 22 માછીમારોને વેરાવળ બંદરે લાવીને તેમના પરિવારને સોપી દીધા હતા.
ફિશરિઝ વિભાગના અધિકારીના કહેવા મુજબ ગઈ તા. 20 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સરકાર દ્વારા ભારતના બિમાર 22 માછીમારોને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. જેલમાંથી મુક્ત થયા બાદ તમામ 22 માછીમારોને વાઘા બોર્ડરે લાવીને બંને દેશોના અધિકારીઓએ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને ભારત સરકારના અધિકારીઓને સોંપી દીધા હતા. અહીંથી 22 માછીમારોને ફિશરીઝ વિભાગના અધિકારીઓએ પહેલા ચંદીગઢ ત્યાંથી વડોદરા થઈને રોડ માર્ગે વેરાવળ ફિશરીઝ વિભાગની કચેરીએ લાવવામાં આવ્યા હતા. વહેલી સવારે 4:00 વાગ્યે તમામ માછીમારો આવી પહોંચતા તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. પાકિસ્તાન સરકારે જે માછીમારોને મુક્ત કર્યા છે. તે તમામ બીમાર છે. માછીમારો પૈકી 18 ગુજરાતના, દિવના 3 અને ઉત્તર પ્રદેશનો 1 માછીમાર હોવાની વિગતો પણ આપી હતી. ગુજરાતના જે 18 માછીમારો છે, તે પૈકી સોમનાથ જિલ્લાના 14, દ્વારકાના ઓખા વિસ્તારના 3 અને રાજકોટનો એક માછીમાર છે. માછીમારો પોતાના પરિવારજનોને મળતા ખુશી જોવા મળી હતી.