ડીસામાં પુલ પાસે બનાસનદીમાં રેતીની ચોરી કરતાં 22 ડમ્પર અને એક મશીન જપ્ત કરાયું
- ભૂસ્તર વિભાગ અને ફલાઈંગ સ્કવોર્ડની ટીમે રૂ. 8 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો,
- ગેરકાયદેસર ખોદકામ બાબતે માપણી કરી દંડ કરાશે
- ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ
પાલનપુરઃ બનાસકાંઠામાં નદીઓ , તળાવો અને સરકારી પડતર જગ્યાઓમાં બેકોરટોક ખનીજચોરી થઈ રહી છે. તંત્ર દ્વારા રેડ પાડીને કડક કાર્યવાહી કરવામાં આવે છે પણ ત્યારબાદ ફરી ખનીજચોરીનો સિલસિલો શરૂ થઈ જાય છે. ત્યારે ભૂસ્તર વિભાગ અને ફલાઈંગ સ્કવોર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન કરી ગત મધરાત્રે ડીસામાં આખોલ પાસે બનાસ નદીના પુલ નજીક ગેરકાયદેસર રીતે રેતી ચોરીનું નેટવર્ક પકડી 22 ડમ્પર અને એક મશીન જપ્ત કર્યું હતું. અંદાજે રૂપિયા 8 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ખનીજ વિભાગની કડક કાર્યવાહીથી ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીમાં રેતીની 150 જેટલી લિઝો આવેલી છે.આ ઉપરાંત પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નદીમાં ગેરકાયદેસર રીતે મશીન મૂકી ખનન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ભૂસ્તર વિભાગને મળી હતી. જેથી રેતી- ખનીજ ચોરી સામે વ્યાપક એક્શન લેવાઈ રહ્યા છે. ભૂસ્તર વિભાગ દ્વારા થોડા સમય પહેલા જ કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે રેતી ચોરી સામે રાજ્યનું સૌથી મોટું ઓપરેશન કરી 125 થી વધુ વાહનો અને આઠ જેટલા મશીનો જપ્ત કર્યા હતા. જિલ્લાનું તંત્ર એલર્ટ હોવા છતાંયે ખનીજ માફિયા કોઈનેય ગાંઠતા નથી.
ડીસા નજીક બનાસ નદીના પુલ પાસે ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમો મધરાતે ત્રાટકી હતી. જેમાં નદીમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરતાં એક મશીન અને 22 જેટલા ડમ્પરો ઝડપાયા હતા. આ અંગે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંગ સારસ્વાના કહેવા મુજબ, બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અને ફલાઇંગ સ્કવોર્ડની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી ગેરકાયદેસર રીતે ખોદકામ થતું હોવાથી 22 ડમ્પર અને એક મશીન મળી કુલ અંદાજે રૂપિયા 8 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હવે ગેરકાયદેસર ખોદકામ બાબતે માપણી કરી દંડ ફટકારવામાં આવશે. ડીસામાં બનાસ નદીના પુલ પાસે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ખોદકામ ચાલી રહ્યું હતું.