For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં એક વર્ષમાં 21 હજાર મિલકતો વધી, પ્રોપર્ટી ટેક્સમાં 10 કરોડનો વધારો

02:42 PM Mar 23, 2025 IST | revoi editor
ગાંધીનગરમાં એક વર્ષમાં 21 હજાર મિલકતો વધી  પ્રોપર્ટી ટેક્સમાં 10 કરોડનો વધારો
Advertisement
  • વર્ષ 2024-25માં મિલકતોમાં 21597નો વધારો
  • બાકી ટેક્સ વસુલાત ઝૂંબેશને કારણે મ્યુનિની આવકમાં વધારો
  • બાકીદારો પાસેથી 30 કરોડ રૂપિયાનો વેરો વસૂલાયો

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરનો છેલ્લા ચાર-પાંચ વર્ષમાં સારોએવો વિકાસ થયો છે. શહેરમાં વસતી વધારા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. લોકોની રહેણાકની જરૂરિયાતને પહોંચી વળવા માટે નવા હાઈરાઈઝ બિલ્ડિંગો ઠેર ઠેર બની રહ્યા છે. નવી સોસાયટીઓ બનતી હોવાથી મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સમાં વધારો થઈ રહ્યો છે.મ્યુનિના વેરા શાખાના ચોપડે વર્ષ 2024-25માં નવી 21,597 મિલકતો નોંધાઇ છે. પરિણામે પ્રોપર્ટી ટેક્સની આવકમાં પણ વધારો થયો છે. ગત વર્ષની આવક સામે ચાલું વર્ષે 10.73 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વધારે વસૂલવામાં આવ્યો છે. મિલકતો વધવા ઉપરાંત જપ્તી સહિતની કડક કાર્યવાહીને કારણે મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ પેટે અત્યારસુધીની સૌથી વધુ આવક થઇ છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનનો વિસ્તાર વધ્યા બાદ વેરાની આવકમાં પણ વધારો થયો છે. મ્યુનિ. દ્વારા દર વર્ષે મિલકતોનો સરવે કરવામાં આવે છે. જેમાં નવી મિલકતોની નોંધણી કરી વેરો વસૂલવામાં આવે છે. નવી સોસાયટીઓમાં રહેણાંક અને કોમર્શિયલ યુનિટમાં વધારો થવાથી વર્ષ દરમિયાન 21,597 જેટલી નવી મિલકતોની નોંધણી થઇ છે. વર્ષ 2023-24માં શહેરમાં 98,171 મિલકતધારકો હતા જેની સામે વર્ષ 2024-25માં 1.19 લાખ મિલકતધારકો નોંધાયા હતા. મિલકતોમાં વધારો થવાને કારણે વેરાની આવક વધી રહી છે. મ્યુનિ. દ્વારા ગત વર્ષે 61.44 કરોડ રૂપિયાનો મિલકત વેરો વસૂલવામાં આવ્યો હતો. જેની સામે ચાલું વર્ષે મિલકત વેરાની આવક 72.17 કરોડે પહોંચી છે. ગત વર્ષની સરખામણીએ 10.73 કરોડ રૂપિયાની વધારે આવક થઇ છે. જે 18 ટકા જેટલી વધારે છે.

મ્યુનિના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મિલકત વેરાની વસૂલાત માટે અગાઉના સમયમાં થયેલા ધાંધિયા, સર્વર ડાઉન થવાને કારણે લોકોને પડતાં ધક્કા અને સમયસર બિલો નહીં મળવા સહિતની સમસ્યાઓ દૂર કરવા નવું સોફ્ટવેર તૈયાર કરીને ઓનલાઇન પેમેન્ટની સરળતા કરવામાં આવતાં મ્યુનિની વેરાની આવક વધી છે ઉપરાંત મિલકતધારકો માટે પણ સરળ વ્યવસ્થા ઉભી થઇ છે. જેની સીધી અસર વેરા વસૂલાતમાં જોવા મળી છે. આ ઉપરાંત મોટી રકમના અને વર્ષોથી મિલકતવેરો નહીં ભરનારા બાકીદારો પાસેથી વસૂલાત કરવા માટે મ્યુનિ. દ્વારા કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. નોટીસ આપ્યા બાદ પણ વેરા ભરપાઇ નહીં કરનારા 2997 બાકીદારો સામે જપ્તીની કાર્યવાહી હાથ ધરતાં વેરાની વસૂલાત થઇ શકી હતી. આવા બાકીદારો પાસેથી 4.30 કરોડ રૂપિયાનો વેરો વસૂલવામાં આવ્યો હતો. બીજીતરફ નોટીસ અને કડક કાર્યવાહી છતાં વેરો ભરપાઇ ન કરનારા 63 જેટલા બાકીદારોની મિલકતો જપ્તી વોરંટ ઇશ્યુ કરી ટાંચમાં લેવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement