સુપ્રીમ કોર્ટના 33 માંથી 21 ન્યાયાધીશોએ પોતાની સંપત્તિ જાહેર કરી
ભારતીય ન્યાયતંત્રમાં પારદર્શિતા વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા સુપ્રીમ કોર્ટના 33 માંથી 21 વર્તમાન ન્યાયાધીશોએ તેમની સંપત્તિ જાહેર કરી છે. આ 21 ન્યાયાધીશોમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાનો પણ સમાવેશ થાય છે. આ ન્યાયાધીશોની મિલકતની વિગતો કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.
જ્યારે અન્ય ન્યાયાધીશોની સંપત્તિની વિગતો પણ પ્રાપ્ત થતાંની સાથે જ વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, 1 એપ્રિલ, 2025 ના રોજ પૂર્ણ કોર્ટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોએ તેમની સંપત્તિ વિશેની માહિતી જાહેર કરવી પડશે. આ નિર્ણય મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતામાં લેવામાં આવ્યો હતો, જેમાં તમામ ન્યાયાધીશોએ સંમતિ આપી હતી.
નિવેદન અનુસાર, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પદ સંભાળતી વખતે માત્ર તેમની સંપત્તિ જાહેર કરવાની રહેશે નહીં, પરંતુ ભવિષ્યમાં જો તેઓ કોઈ મોટી સંપત્તિ મેળવે છે તો તેમણે મુખ્ય ન્યાયાધીશને પણ જાણ કરવાની રહેશે. હવેથી, ન્યાયાધીશોની સંપત્તિની વિગતો સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર ફરજિયાતપણે અપલોડ કરવામાં આવશે.
જે 21 ન્યાયાધીશોએ પોતાની સંપત્તિ જાહેર કરી છે તેમાં ભવિષ્યમાં મુખ્ય ન્યાયાધીશ બનવાના ત્રણ ન્યાયાધીશોનો પણ સમાવેશ થાય છે. આનાથી પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.