અમદાવાદના કાંકરિયા ઝૂમાં 2 વાઘણ અને ત્રણ દીપડા નાગપુરથી લવાયા
- નાગપુર ઝૂંમાંથી 2 વાઘણ સહિત 5 પ્રાણીઓને લવાયા,
- કાંકરિયા ઝૂમાં 8 વાઘ-વાઘણ છે,
- નાગપુર ઝૂને 90થી વધુ ફસુ-પક્ષિઓ ભેટમાં અપાયા
અમદાવાદઃ પ્રાણી-પશુઓ અને પંખીઓના એક્સચેન્જ પોગ્રામ અંતર્ગત અમદાવાદના કાંકરિયા ઝૂંને બે વાઘણ અને 3 દીપડા-દીપડીની જોડી નાગપુર ઝૂમાંથી ભેટમાં મળી હતી. નાગપુર ખાતે આવેલા ગોરેવાડા પ્રોજેકટના વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ સેન્ટરમાંથી 2 વાઘણ અને 3 દીપડા-દીપડીની જોડી અમદાવાદનાં કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં લાવવામાં આવી હતી. 2 વાઘણ અને દીપડા-દીપડીની જોડીને એક માસ સુધી કવોરેન્ટાઈનમાં પિરિયડમાં રખાયા બાદ આજથી મુલાકાતીઓ વાઘણો અને દીપડાને નિહાળી શકશે. કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાંથી 90થી વધુ વિવિધ પશુ-પક્ષીઓ પણ નાગપુર ખાતે આવેલા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ સેન્ટરમાં આપવામાં આવ્યા છે.
એએમસીના રિક્રિએશનલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી અને કાંકરિયા ઝુના અધિકારી ડો. આર. કે. સાહુએ જણાવ્યું હતું કે, નાગપુરથી બે નવી વાઘણ અને ત્રણ જોડી દીપડા-દીપડીની લાવવામાં આવી છે. અત્યારે હાલમાં કુલ 8 વાઘ અને વાઘણ છે. કુલ એક સિંહ અને બે સિંહણ છે. નાગપુરના પ્રાણીસંગ્રહાલયમાંથી લાવવામાં આવેલી બે વાઘણ અને છ દીપડાને મુલાકાતીઓને જોવા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. કાંકરિયા ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. શર્વ શાહ અને પ્રાણીસંગ્રહાલયના 10 અધિકારી તથા કર્મચારીઓ દ્વારા નાગપુર ખાતે જઈ ત્રણ ટ્રક મારફતે લાવવામાં આવ્યા હતા.
અમદાવાદ મ્યુનિ.સંચાલિત કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાંથી આપવામાં આવેલા પ્રાણી પક્ષીઓ, સરીસૃપોના દર વર્ષે મોટી સંખ્યામાં બચ્ચાંઓ જન્મે છે અને વધારાના આ પ્રાણી પક્ષીઓ અને સરિસૃપો મળી 100થી વધુ પશુ-પક્ષીઓ ગોરેવાડા ઝૂને સામે આપવામાં આવેલા છે. હાલમાં અમદાવાદ ઝૂ ખાતે એક સિંહ અને બે સિંહણ, એક સફેદ વાઘણ અને ત્રણ વાઘણ, નવ દિપડા જેમાં 4 નર અને 5 માદા, 1 રીંછ, 1 હાથી, 2 હિપોપોટેમસ, 9 શિયાળ અને મોટી સંખ્યામાં પક્ષીઓ અને સરીસૃપો કુલ મળી 2100 ઉપરાંત વન્ય પ્રાણીઓને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવેલા છે.