ગુજરાતમાં 11 મહિનામાં રેગિંગના 16 બનાવો, મેડિકલ કોલેજોમાં સૌથી વધુ રેગિંગ
- ગુજરાતમાં 6 વર્ષમાં રેગિંગના 75 કેસ-ફરિયાદ નોંધાયા,
- પાટણકાંડ બાદ અન્ટી રેગિંગ કમીટી વધુ સક્રિય બની,
- 75માંથી 34 રેગિંગના બનાવો મેડિકલ કોલેજોમાં બન્યા હતા.
અમદાવાદઃ દેશમાં ગુજરાત શાંત રાજ્ય ગણાય છે. ત્યારે રેગિંગની ઘટનાથી દેશમાં ગુજરાતનું નામ ખરાબ થઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 11 મહિનામાં રેગિંગના 16 બનાવો બન્યા હતા. જેમાં સૌથી વધુ મેડિકલ કોલેજોમાં રેગિંગના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં પાટણની મેડિકલ કોલેજમાં રેગિંગના બનાવ બાદ સરકાર સફાળી જાગી છે. તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને તકેદારી રાખવા તાકીદ કરી છે, તેમજ એન્ટી રેગિંગ કમિટીને પણ વધુ સર્કિય કરવામાં આવી છે. ગુજરાતમાં વર્ષ 2024માં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજ્યમાં રેગિંગની 16 જેટલી ફરિયાદ થઇ છે, જેમાંથી 5 સિરિયસ કેટેગરીમાં મૂકવામાં આવી છે.
પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં તાજેતરમાં રેગિંગની બનાવમાં જુનિયર વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. રેગિંગરની આ ઘટનામાં 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓ સંડોવાયેલા હતા. આ મામલે હોબાળો મચ્યા બાદ કોલેજ દ્વારા 15 વિદ્યાર્થીઓને કોલેજમાંથી સસ્પેન્ડ કરીને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. સરકારે આ ઘટના બાદ કડક સુચના આપતા યુનિવર્સિટીમાં રેગિંગ કમિટી પણ સક્રિય બની છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં રેગિંગના બનાવો વધી રહ્યા છે. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન હેઠળ યુજીસીના એન્ટિ રેગિંગ પોર્ટલ પર નોંધાયેલી રેગિંગની ફરિયાદોના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં 2019થી 2024માં અત્યાર સુધી એટલે કે 6 વર્ષમાં રેગિંગના 75 કેસ-ફરિયાદ નોંધાયા છે. જેમાંથી 34 કેસ રાજ્યની જુદી જુદી મેડિકલ, આયુર્વેદ, ડેન્ટલ કોલેજના હોવાનું બહાર આવ્યું છે. વર્ષ 2024માં પણ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજ્યમાં રેગિંગની 16 જેટલી ફરિયાદ થઇ છે જેમાંથી 5 સિરિયસ કેટેગરીમાં મૂકવામાં આવી છે.
યુજીસીના પ્રકાશિત થયેલા વર્ષ 2022-23ના રિપોર્ટમાં દર્શાવ્યું છે કે, આ વર્ષમાં દેશમાં રેગિંગની 858 ફરિયાદ આવી, જેમાંથી 797નું નિવારણ કરી દેવામાં આવ્યુ હતુ. જ્યારે 61 પેન્ડિંગ રહી હતી. આ ઉપરાંત વર્ષ 2021-22માં રેગિંગની 582 ફરિયાદ મળી હતી જેમાંથી 401નું નિરાકરણ લવાયું હતું જ્યારે 181 પેન્ડિંગ રહી હતી. વર્ષ 2022-23માં નેશનલ એન્ટિ રેગિંગ હેલ્પલાઈનને ચલાવવા, દેખરેખ રાખવા, મૂલ્યાંકન કરવા 2.02 કરોડ ખર્ચાયા હોવાનું પણ દર્શાવાયું છે. એવી જ રીતે વર્ષ 2021-22માં પણ હેલ્પલાઈન પાછળ 245.45 લાખ ખર્ચાયા હતા.
ગુજરાતની કોઇપણ શૈક્ષણિક સંસ્થા, યુનિવર્સિટી કે કોલેજમાં વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બને તો તે યુજીસીની નેશનલ એન્ટિ રેગિંગ હેલ્પલાઈન 1800-180-5522 ઉપર ફરિયાદ કરી શકે છે. આ હેલ્પલાઈનમાં ફરિયાદ કરવાની સેવા જુદી જુદા 12 ભાષામાં ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ helpline@antiragging.in પર ઈ-મેલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકે છે.
ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની વાત કરીએ તો સૌથી વધુ વર્ષ 2022 અને 2023માં 17 કેસ થયા હતા, સૌથી ઓછા 2021માં 4 કેસ થયા હતા આ વર્ષે જાન્યુઆરી 2024થી નવેમ્બર સુધી રેગિંગની કુલ 16 જેટલા બનાવો બન્યા છે. જેમાંથી 5 ફરિયાદ મેડિકલ કોલેજની હતી. 16 પૈકી 5 ફરિયાદ સિરિયસ, 11 નોર્મલ કેટેગરીમાં છે. જ્યારે વર્ષ 2023માં રેગિંગની કુલ 17 ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2022માં કુલ 17 જેટલી રેગિંગની ફરિયાદો થઇ હતી. વર્ષ 2021માં રેગિંગની સૌથી ઓછી 04 ફરિયાદ નોંધાઈ હતી. આ ચારેય કેસ મેડિકલ ક્ષેત્રની કોલેજના વિદ્યાર્થીના હતા. તેમજ વર્ષ 2020માં કુલ 06 રેગિંગની ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2019માં રેગિંગની 15 ફરિયાદ દાખલ થઇ હતી.
મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના એન્ટિ રેગિંગ પોર્ટલના આંકડા દર્શાવે છે કે દેશમાં રેગિંગના બનાવ સતત વધી રહ્યા છે. જાન્યુઆરી-2019થી લઈને 20 નવેમ્બર-2024 એટલે કે અત્યાર સુધીમાં દેશમાં રેગિંગના 4897 જેટલા કેસ નોંધાયા છે અને 48 વિદ્યાર્થીએ રેગિંગને લીધે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ત્રણ વિદ્યાર્થીએ છેલ્લા ત્રણ વર્ષમાં આત્મહત્યાની કોશિશ કરી છે.