મુંબઈમાં વરસાદને કારણે 12 લોકોના મોત, થાણે-પાલઘરમાં રેડ એલર્ટ! શાળા-કોલેજો બંધ
મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સતત ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. મુંબઈ, થાણે, પાલઘર અને નવી મુંબઈના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે પરિસ્થિતિ ખરાબ છે. IMD એ થાણે અને પાલઘર જિલ્લામાં બે દિવસ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતુ. આ કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં વરસાદને કારણે 12 લોકોના મોત થયા છે. નાંદેડ જિલ્લામાં પૂરને કારણે 9 લોકોના મોત થયા છે. મુંબઈમાં દિવાલ પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી ગિરીશ મહાજને જણાવ્યું હતું કે રાજ્યના અન્ય ભાગોમાંથી વધુ બે લોકોના મોત થયા છે.
ભારે વરસાદને કારણે મુંબઈના અંધેરી અને બોરીવલીમાં માત્ર ત્રણ કલાકમાં 50 મીમીથી વધુ પાણી ફરી વળ્યું. આગામી થોડા કલાકોમાં બોરીવલીથી ચર્ચગેટ સુધીના વિસ્તારોમાં વરસાદ વધુ તીવ્ર બનવાની ધારણા છે. કલ્યાણના જય ભવાની નગર વિસ્તારમાં નેતીવલી ટેકરી પર ભૂસ્ખલન થયું હતું, ત્યારબાદ સ્થાનિક રહેવાસીઓને નજીકની મ્યુનિસિપલ સ્કૂલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે અહીં સેના અને NDRF ટીમો તૈનાત કરી છે.
800 ગામડાઓ પ્રભાવિત
મંત્રાલયમાં સ્થિત ઇમરજન્સી સેન્ટરમાંથી પરિસ્થિતિની સમીક્ષા કરતી વખતે ફડણવીસે જણાવ્યું હતું કે રત્નાગિરી, રાયગઢ અને હિંગોલી જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. વિદર્ભ ક્ષેત્રમાં બે લાખ હેક્ટરથી વધુ પાકનો નાશ થયો છે અને 800 ગામડાઓ પ્રભાવિત થયા છે. મુંબઈમાં 8 કલાકમાં 170 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે 14 સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા.
તેમણે કહ્યું કે આગામી 10-12 કલાક અત્યંત મહત્વપૂર્ણ છે અને સ્થાનિક સંસ્થાઓને રજા જાહેર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.