NIPER-અમદાવાદ ખાતે 11મા દિક્ષાંત સમારોહનું આયોજન
અમદાવાદઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER-અમદાવાદ) એ ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના નેજા હેઠળ ચાલતી રાષ્ટ્રીય મહત્વની સ્વાયત્ત સંસ્થા છે.
સંસ્થા દ્વારા 27મી ડિસેમ્બર, 2024ના રોજ NIPER અમદાવાદના પ્રો. ડિરેક્ટર શૈલેન્દ્ર સરાફની અધ્યક્ષતામાં 11મો દિક્ષાંત સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ શ્રી અરુનિશ ચાવલા અને શિક્ષણ અને સંશોધન ક્ષેત્રના અન્ય મહાનુભાવો પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
આ કોન્વોકેશન દરમિયાન, સંસ્થાના કુલ 173 વિદ્યાર્થીઓ (163 માસ્ટર ઓફ સાયન્સ (M.S.) અને ફાર્માસ્યુટિકલ મેનેજમેન્ટ અને 10 વિદ્યાવાચસ્પતિ (Ph.D.) ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ સાથે ઉત્તમ શૈક્ષણિક પ્રદર્શન ધરાવતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પણ સન્માનિત કરવામાં આવશે. અનુસ્નાતક કાર્યક્રમ (બેચ 2022-2024)માં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવશે.
અનુસ્નાતક કાર્યક્રમોના સંબંધિત વિષયો; બાયોટેક્નોલોજી, નેચરલ પ્રોડક્ટ્સ, ફાર્માસ્યુટિક્સ, ફાર્માસ્યુટિકલ એનાલિસિસ, મેડિસિનલ કેમેસ્ટ્રી, ફાર્માકોલોજી અને ટોક્સિકોલોજી, મેડિકલ ડિવાઇસ અને ફાર્માસ્યુટિકલ મેનેજમેન્ટમાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીને પણ મેડલ એનાયત કરવામાં આવશે. અનુસ્નાતક કાર્યક્રમોના ટોચના પાંચ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની અનુકરણીય શૈક્ષણિક સિદ્ધિઓ માટે પ્રશંસા પ્રમાણપત્રો અને પુસ્તક ઈનામો એનાયત કરવામાં આવશે.
દીક્ષાંત સમારોહ બાદ ઓલ્ડ સ્ટુડન્ટ્સ એસોસિએશનની બેઠકનું પણ આયોજન કરવામાં આવશે. આ મેળાવડો સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંસ્થા સાથે ફરી જોડાવા, અમારા વિદ્યાર્થીઓ સાથે તેમના અનુભવો શેર કરવા અને સંસ્થા તેમજ સંસ્થા સાથે હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને પ્રોત્સાહન આપવાનું પ્લેટફોર્મ પૂરું પાડશે.
ગાંધીનગર સ્થિત NIPER અમદાવાદે ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ઉપકરણોના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધન માટે એક અગ્રણી સંસ્થા તરીકે પોતાની જાતને સ્થાપિત કરી છે. NIPER અમદાવાદ તેની નવીનતા, શ્રેષ્ઠતા અને સામાજિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે વિશ્વ કક્ષાના પ્રોફેશનલ્સનું નિર્માણ કરે છે જેઓ ભારતના વધતા જતા હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં યોગદાન આપે છે.