For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત પોલીસના 118 કર્મચારીઓને મુખ્યમંત્રીના હસ્તે મેડલ અર્પણ કરાયા

03:16 PM Aug 03, 2025 IST | Vinayak Barot
ગુજરાત પોલીસના 118 કર્મચારીઓને મુખ્યમંત્રીના હસ્તે મેડલ અર્પણ કરાયા
Advertisement
  • ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પોલીસ ચંદ્રક અલંકરણનો સમારોહ યોજાયો,
  • શાંતિ-સુરક્ષાને લીધે ગુજરાત દેશનાવિકાસનું રોલ મોડલ બની શક્યું છે: મુખ્યમંત્રી,
  • પોલીસમાં ટેક્નોસેવી યુવાઓની ભરતીથી પોલીસના સંખ્યાબળ સાથે શક્તિબળ પણ વધ્યું,

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળમાં કર્તવ્ય નિષ્ઠાથી ઉત્કૃષ્ઠ ફરજો બજાવવા માટે રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક મેળવનારા ગુજરાત પોલીસના 118 અધિકારીઓ-કર્મચારીઓને આ ચંદ્રક એનાયત કર્યા હતા.

Advertisement

ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે યોજાયેલા ચંદ્રક અલંકરણના આ ગૌરવશાળી સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે મેડલ્સ મેળવનારા સૌ પોલીસ અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવતા સ્પષ્ટ પણે જણાવ્યું કે, સમગ્ર પોલીસ દળની ફરજ નિષ્ઠા અને કર્તવ્ય ભાવનાથી શાંતિ, સલામતી અને સુરક્ષા સાથે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બની શક્યું છે.

Advertisement

તેમણે ચંદ્રક મેળવનારા પોલીસ કર્મીઓના પરિવારજનોને વિશેષ અભિનંદન આપતા કહ્યું કે, પોલીસની કપરી ફરજો બજાવવા માટે પરિવારનો સહયોગ, સહકાર પણ એટલો જ જરૂરી છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પોલીસ એટલે પ્રજાનો રક્ષક અને જાન-માલનો પહેરેદાર એ સહજ ભાવ સમાજમાં વણાઈ ગયો છે. લોકોમાં પોલીસ પ્રત્યે ભરોસો અને અપાર વિશ્વાસ છે.

સમાજને રંજાડનારા તત્વો, ગુનાહિત માનસિકતા વાળા લોકોને પોલીસનો ડર રહે અને ખોટું કરે જ નહીં તેવો રૂઆબ અને રૂતબો પોલીસ વરદીનો હોય તેમ મુખ્યમંત્રીએ પોલીસ દળને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું.

તેમણે પોલીસ અધિકારી-કર્મચારીને ફરજો અને સમાજ પ્રત્યેની સુરક્ષા સેવા ભાવનાની કદરરૂપે મળતું મેડલ સન્માન એ સમગ્ર પોલીસ બેડા માટે ગૌરવ ઘટના ગણાવી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પોલીસ બેડામાં તાલીમ અને પ્રશિક્ષણની આખી તાસીર બદલીને નવા પડકારોને પહોંચી વળે તેવા આધુનિક અને સ્માર્ટ પોલિસીંગનો વિચાર આપ્યો છે.

ગુજરાતમાં એમના દિશાદર્શનમાં ટેકનોલોજી યુક્ત સ્માર્ટ પોલિસીંગ માટે સી.સી.ટી.વી. નેટવર્ક, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બોડી વોર્ન કેમેરા, સાયબર આસ્વસ્ત અને સાયબર સેઈફ પ્રોજેક્ટ તથા ડ્રોન ટેકનોલોજી જેવા પ્રોજેક્ટ્સ પોલીસ આધુનિકીકરણના નવતર આયામોની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

તેમણે કહ્યું કે, ટેકનોલોજીથી સજ્જ પોલીસ દળને પરિણામે હવે ગુનાખોરી નિયંત્રણ અને ગુનેગારોને પકડી લેવાનું ઝડપી બન્યું છે. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ, ડ્રગ્સ કાર્ટેલ અને આતંકવાદીઓના મોડ્યુલને જે રીતે ખુલ્લા પાડ્યા છે તે અભિનંદન પાત્ર છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. એટલું જ નહીં, ગુજરાત પોલીસમાં નવી ભરતીમાં જે ટેક્નોસેવી યુવાઓ આવ્યા છે તેના પરિણામે માત્ર સંખ્યાબળ જ નહીં પોલીસ બેડાની શક્તિ પણ વધી છે એમ તેમણે ગૌરવ પૂર્વક જણાવ્યું હતું.

ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ આ પ્રસંગે ચંદ્રક મેળવનાર સૌ સેવાનિષ્ઠ અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, રાજ્યમાં શાંતિ-સલામતીની જાળવણી અને સૌ નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવા પાછળ આપ સૌનું યોગદાન અમૂલ્ય છે. તેમ છતાં આ અભિનંદનના પ્રથમ હક્કદાર સૌ અધિકારી કર્મચારીઓના પરિવારના સભ્યો છે, તેમણે આપેલા સમયના ત્યાગનું આ પરિણામ છે.

આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, યુનિફોર્મ સર્વિસમાં જ્યારે કોઈ અધિકારી - કર્મચારીના વર્દી ઉપર ચંદ્રક, પદક, કે બેઝ લાગે છે, ત્યારે આ અધિકારી - કર્મચારીના મનમાં ગર્વનો અનુભવ થતો હોય છે. આજના દિવસે જે અધિકારીઓ - કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરી અલંકૃત કરવામાં આવ્યા છે. આ પદક તેમના આત્મ વિશ્વાસમાં વધુ સારી કામગીરી કરવા ઉમેરો કરશે તેવો વિશ્વાસ છે.

Advertisement
Tags :
Advertisement