ઝીંઝુવાડાના રણમાં વછરાજ દાદાના દર્શને ગયેલા 100 શ્રદ્ધાળુઓ ફસાતા રેસ્ક્યુ કરાયુ
- ઝીઝુવાડાના અફાટ રણમાં માવઠાને લીધે કાદવ-કીચડ થયો,
- દર્શનાર્થીઓની 8 કાર અને 1 બસ કાદવમાં ફસાઈ ગઈ,
- ઝીંઝુવાડાના યુવાનોએ ટ્રેકટરની મદદથી આખીરાત રેસ્ક્યુ કરીને કાદવમાંથી વાહનો બહાર કાઢ્યા
સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ઝીંઝુવાડા નજીક રણમાં વાછરડા દાદાનુ મંદિર આવેલુ છે. અને રોબરોજ અનેક શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે રણ વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ પાણીને લીધે કાદવ-કીચડ થયો છે. ત્યારે વાછરડા દાદાના દર્શન માટે કાર અને બસ લઈને આવેલા 100 જેટલા શ્રદ્ધાળુઓ રણના કાદવ-કીચડમાં ફસાયા હતા. આઠ જેટલી કાર અને એક લક્ઝરી બસ ફસાઈ જતાં 100 જેટલા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા હતા. કાદવમાંથી વાહનો નીકળી શકે તેમ નહતા, અને ચાલીને પણ જઈ શકાય તેમ ન હતું. આ બાબાતની જાણ થતા ઝીંઝુવાડાના સરપંચ હરીભા ઝાલા અને સ્થાનિક યુવાનોએ ટ્રેક્ટરની મદદથી આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
ઝીંઝુવાડા નજીક રણ વિસ્તારમાં વાછરડા દાદાના દર્શને જતા 8થી વધુ કાર અને એક લકઝરી બસ કાદવ-કીચડમાં ખૂપી ગઈ હતી. છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા કમોસમી વરસાદને લીધે રણ વિસ્તારમાં પાણી ભરાયા છે. અને રણની પોચી જમીનને લીધે કાદવ-કીચડ થતાં વાહનો ફસાયા હતા. જેમાં મહેસાણા અને કડી સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓની ચાર ઈકો ગાડી, ચારથી પાંચ નાની ગાડીઓ અને એક લક્ઝરી બસ રણમાં વરસાદને કારણે કાદવમાં ફસાઈ ગઈ હતી.
વાછડાદાદાની જગ્યાના વિજુભા ઝાલાને આ ઘટનાની જાણ થતાં તેમણે પોતાના સ્વયંસેવકોની ટીમને સ્થળ પર મોકલી હતી. બીજી તરફ, ઝીંઝુવાડાના યુવા સરપંચ હરીભા ઝાલા સહિતના યુવાનો ટ્રેક્ટરો સાથે રણમાં દોડી ગયા હતા. તેમણે ત્રણથી ચાર કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત તમામ લોકોને કાદવમાંથી બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. રણમાંથી બચાવી લેવાયેલા તમામ શ્રદ્ધાળુઓને મોડી રાત્રે ઝીંઝુવાડા રાજેશ્વરી માતાજીના મંદિરે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમના માટે ભોજન અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ અંગે ઝીંઝુવાડા સરપંચ હરીભા ઝાલાએ જણાવ્યું કે, આ તમામ શ્રદ્ધાળુઓ ખાનગી વાહનોમાં વાછડાદાદાની જગ્યાએ દર્શન કરી પરત આવતા સમયે રણમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ રણમાં ફસાઈ ગયા હતા. આ તમામ લોકોને બચાવી લઈને અને જે વાહનો રણમાં બગડ્યા હતા, એમને ટ્રેક્ટરમાં દોરડાથી બાંધીને સલામત રીતે ઝીંઝુવાડા લાવવામાં આવ્યા હતા. રાત્રે ઝીંઝુવાડા રાજેશ્વરી માતાના મંદિરે જમવાની અને રાત્રી રોકાણની વ્યવસ્થા કરી સવારે તમામ શ્રદ્ધાળુઓ પોતાના ગામ તરફ પરત નીકળ્યા હતા.