ગાંધીનગર શહેર અને જિલ્લામાં ગણેશ વિસર્જન માટે 10 કૃત્રિમ કુંડ બનાવાયા
- ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 7 કુંડ તૈયાર કરાયા,
- દહેગામ નગરપાલિકા દ્વારા 2 કૃત્રિમ કુંડ બનાવાયા,
- સુરક્ષિત રીતે કૃત્રિમ કુંડમાં જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા તંત્રની અપીલ
ગાંધીનગરઃ રાજ્યભરમાં આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. આજથી તા. 7મી સપ્ટેમ્બર સુધી ચાલનારા ગણેશોત્સવને નિર્વિઘ્નને પૂર્ણ કરવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે. ખાસ કરીને ચાલુ વર્ષે વધુ પડતા વરસાદને કારણે જળાશયોમાં પાણીનું સ્તર વધ્યું છે, ત્યારે શ્રદ્ધાળુઓ કુદરતી જળાશયોમાં વિસર્જન કરવા ન જાય તે માટે કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં 7 કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. જેમાં સુખડેશ્વર મહાદેવ – પેથાપુર, સેક્ટર-30 સાબરમતી નદી બ્રિજ પાસે, ધોળેશ્વર મહાદેવ નજીક, સંત સરોવર ઈન્દ્રોડા, કોટેશ્વર મહાદેવ મંદિર નજીક, તેમજ ભાટ ટોલ પ્લાઝા અને સિગ્નેચર બ્રિજ, PDPU રોડ નજીક કૃત્રિમ કૂંડ બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત જિલ્લામાં દહેગામ નગરપાલિકા દ્વારા 2 કૃત્રિમ કુંડ બવાવવામાં આવ્યા છે. જેમાં પાલૈયા તળાવ, નીલકંઠ મહાદેવ મંદિર પાસે. અને ઊટડિયા મહાદેવ (ઉત્કંઠેશ્વર મહાદેવ)નો સમાવેશ થાય છે. તેમજ માણસા નગરપાલિકા દ્વારા પણ એક કૃત્રિમ કુંડ હેત્વા તળાવ ખાતે બનાવાયો છે.
જ્યારે કલોલ નગરપાલિકા દ્વારા શ્રદ્ધાળુઓને ઈન્દિરા બ્રિજ નજીક GMC દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડનો જ ઉપયોગ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રએ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ સુરક્ષિત રીતે કૃત્રિમ કુંડમાં જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરે અને તંત્રને સહયોગ આપે.