For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સરદાર@150: કરમસદથી કેવડિયા પદયાત્રાનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો

05:00 PM Nov 26, 2025 IST | revoi editor
સરદાર 150  કરમસદથી કેવડિયા પદયાત્રાનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો
Advertisement

વડોદરાઃ સરદાર પટેલની 150મી જન્મજયંતી અવસરે કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા ‘સરદાર@150 : યુનિટી માર્ચ’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સાહાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રચંડ જનમેદનીના અદમ્ય ઉત્સાહ અને જય સરદારના ગગનભેદી ગુંજારવ સાથે આ રાષ્ટ્રીય પદયાત્રા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે તા. 06 ડિસેમ્બરે પહોંચશે. 150 કાયમી પદયાત્રીઓ સાથે આણંદ ઉપરાંત વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થનારી આ પદયાત્રાનો ભવ્ય પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ‘સરદાર@150 : યુનિટી માર્ચ’ પદયાત્રા રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ પ્રશસ્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રેરિત આ પદયાત્રા સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવિધાન દિવસના અવસરે ડો. બાબાસાહેબ આંબેડકર અને સંવિધાન સભાના સૌ સદસ્યોને આદરપૂર્વક નમન કરીને જણાવ્યું હતું કે, વિશ્વ નેતા તથા એક ભારત, શ્રેષ્ઠ ભારતના પ્રેરણા સ્ત્રોત નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશભરમાં સરદાર સાહેબની 150મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે. આ ઉપક્રમે સરદાર સાહેબનું બાળપણ અને શાળા શિક્ષણ જ્યાં થયું હતું, તે પવિત્ર ભૂમિ કરમસદ થી એકતાના પ્રતીક સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા સુધી યુનિટી માર્ચ યોજાઈ રહી છે.

મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોહપુરુષ સરદાર સાહેબને આપેલી સાચી અંજલિ ગણાવતા કહ્યું કે, સરદાર સાહેબની આ અભૂતપૂર્વ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવના ઇતિહાસનું જીવંત પ્રતિક બની છે. સરદાર સાહેબે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર સાહેબના માર્ગ પર આગળ વધીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘આત્મનિર્ભર ભારત’ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

Advertisement

સરદાર સાહેબના મૂલ્યોના આધારે નવા ભારતના નિર્માણનું મહાકાર્ય થઈ રહ્યું હોવાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કરોડો હિંદુઓના આસ્થાના પ્રતિક રામ મંદિરમાં પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજારોહણથી મંદિર નિર્માણ કાર્ય સંપન્ન થયું છે. થોડા દિવસો અગાઉ દેશની શ્રમ શક્તિનું સન્માન કરતા ઐતિહાસિક ચાર લેબર કોડ્સ દેશમાં લાગુ થયા છે. સરદાર સાહેબ હંમેશા શ્રમિકો અને ખેડૂતોના હિત માટે કાર્યરત રહ્યા, જેમણે અમદાવાદના કામદારોના હક માટે અને ખેડા તથા બારડોલીના ખેડૂતોના ન્યાય માટે અંગ્રેજી હકુમતને હચમચાવી નાખી હતી તેમ તેમણે ઉમેર્યુ હતું.

'સૌના સાથ, સૌના વિકાસ' ના મંત્ર થકી વિકસિત ભારત બનાવવાના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવાનો અનુરોધ કરતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ કે, પ્રધાનમંત્રીએ તેમનું સમગ્ર જીવન ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે દેશ માટે સમર્પિત કર્યું છે. ત્યારે આપણે સૌ એકતાના મૂળ મંત્રને આત્મસાત કરીને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આગળ વધીશું તે જ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ છે. ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સાહાએ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહીને પોતાના પ્રેરક ઉદ્દબોધનમાં ‘સરદાર@150 : યુનિટી માર્ચ’ અંતર્ગત ત્રિપુરા રાજ્યમાં કરાયેલી ઊજવણી અને આયોજનની રૂપરેખા આપી હતી. આ પદયાત્રા કોઈ સામાન્ય પદભ્રમણ નથી, પરંતુ દેશની એકતા, અખંડતા અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતીક સમા લોહપુરુષ સરદાર પટેલને સમર્પિત વિશેષ આયોજન છે, તેમ મક્કમપણે જણાવી તેમણે રાજ્યની જનતા અને ત્રિપુરાની તરફથી ઉપસ્થિત સૌને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement