વેન્સ પરિવારે માણી રાજસ્થાનની લોકસંસ્કૃતિ, આમેર કિલ્લો અને હવા મહેલની મુલાકાત લીધી
જયપુરઃ અમેરિકાના ઉપપ્રમુખ જેમ્સ ડેવિડ (જેડી) વેન્સ તેમના પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે ભારતની ચાર દિવસની મુલાકાતે છે. તેઓ સોમવારે રાત્રે જયપુર પહોંચ્યા હતા અને રામબાગ પેલેસમાં રોકાયા હતા. મંગળવારે સવારે તે પોતાના પરિવાર સાથે આમેર કિલ્લો જોવા ગયા હતા. વેન્સ અને તેના પરિવારની સુરક્ષા માટે 2400 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. અમેરિકી ઉપપ્રમુખની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર જયપુર શહેરને શણગારવામાં આવ્યું છે. આમેર કિલ્લાથી હોટેલ રામબાગ પેલેસ જતી વખતે વેન્સ અને તેમના પરિવારે રસ્તામાં જલ મહેલ, હવા મહેલ અને પારકોટાની પણ મુલાકાત લીધી હતા.
ઉપપ્રમુખને હાથી સ્ટેન્ડથી ખાસ ઇલેક્ટ્રિક ગાડીમાં આમેર કિલ્લાની અંદર લઈ જવામાં આવ્યા હતા. તેમણે અને તેમના પરિવારે ઇ-કાર્ટમાંથી જ કિલ્લાના બહારના ભાગો, માવઠ સરોવર (આમેર કિલ્લાની નીચે બનેલું કૃત્રિમ તળાવ) અને કેસર ક્યારી બગીચાની મુલાકાત લીધી હતી. આ પછી, US ઉપપ્રમુખ ઇ-કાર્ટ દ્વારા જલેબી ચોક ગયા હતા, જ્યાં પુષ્પા અને ચંદા નામના બે હાથીઓએ તેમનું અને તેમના પરિવારનું સ્વાગત કર્યું હતું.
આ બંને હાથીઓ પરંપરાગત ઘરેણાં અને પોશાકથી શણગારેલા હતા. રાજસ્થાની લોક કલાકારોએ પોતાનું પ્રદર્શન દેખાડ્યું હતું. જેડી વેન્સે તેમના પરિવાર સાથે લગભગ એક કલાક માટે આમેર કિલ્લાની મુલાકાત લીધી અને એક માર્ગદર્શકની મદદથી તેના ઇતિહાસ વિશે જાણકારી મેળવી. તેમણે કિલ્લા પર તેમના પત્ની ઉષા અને બાળકો સાથે ફોટો પણ પડાવ્યો. કિલ્લા પરિસરમાં સ્થિત 1135 AD રેસ્ટોરન્ટમાં તેમના માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં ચાંદીના સિંહાસન પર વેન્સ અને તેમના પરિવારને રાજસ્થાની ભોજન પીરસવામાં આવતું હતું. તેમણે પન્ના-મીના કુંડ અને અનોખી મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.