છત્તીસગઢ નવા ફોજદારી કાયદાઓ ટૂંક સમયમાં લાગુ કરીને એક આદર્શ રાજ્ય બનવું જોઈએઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાંઈ સાથે રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજી હતી. આ ચર્ચામાં પોલીસ, જેલો, અદાલતો, કાર્યવાહી અને ફોરેન્સિક સેવાઓ સાથે સંબંધિત મુખ્ય જોગવાઈઓની પ્રગતિ અને વર્તમાન સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહ સચિવ, છત્તીસગઢના મુખ્ય સચિવ, બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆરએન્ડડી)ના મહાનિદેશક, છત્તીસગઢના પોલીસ મહાનિર્દેશક, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના ડાયરેક્ટર સહિત ગૃહ મંત્રાલય (MHA) અને છત્તીસગઢ સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાનાં સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ઘડાયેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓનો સંપૂર્ણ અમલ કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. જે છત્તીસગઢમાં ટોચની પ્રાથમિકતા છે. તેમણે જણાવ્યું હતું કે, આ કાયદાઓનો મુખ્ય ઉદ્દેશ ભારતીય ન્યાયિક વ્યવસ્થાને મજબૂત અને આધુનિક બનાવવાનો છે તથા છત્તીસગઢ જેવા રાજ્યને આ સુધારાઓથી નોંધપાત્ર લાભ થશે. તેમણે કહ્યું કે છત્તીસગઢે ત્રણ નવા ફોજદારી કાયદાઓના સંપૂર્ણ અમલીકરણને એક પડકાર તરીકે લેવું જોઈએ અને ટૂંક સમયમાં તેનો અમલ કરીને એક આદર્શ રાજ્ય બનવું જોઈએ.
અમિત શાહે જણાવ્યું હતું કે, છત્તીસગઢ સરકારે ગંભીર અપરાધો માટે 60 અને 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક સ્તરના અધિકારીઓને જવાબદારી સોંપીને જવાબદારી સુનિશ્ચિત કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવા ફોજદારી કાયદાઓ હેઠળ, પુરાવાની નોંધણીથી માંડીને ખટલા ચલાવવા સુધીની સમગ્ર પ્રક્રિયા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે હાથ ધરી શકાય છે, જે માનવશક્તિની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો કરે છે અને ન્યાયતંત્રને સુવ્યવસ્થિત કરે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છત્તીસગઢમાં તમામ પોલીસ સ્ટેશનો અને ડીએસપી સ્તરના અધિકારીઓએ ગુનાની ગંભીર તપાસમાં નિયમિતપણે નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રિડ (NATGRID)નો ઉપયોગ કરવો જોઈએ. તેમણે રાજ્યમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ માટે માળખાગત સમીક્ષા પદ્ધતિની પણ ભલામણ કરી હતી. શાહે ઉમેર્યું હતું કે, મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સાપ્તાહિક સમીક્ષા કરે, રાજ્યના ગૃહ પ્રધાને દર 15 દિવસે પ્રગતિની સમીક્ષા કરવી જોઈએ અને મુખ્યમંત્રીએ માસિક ધોરણે અમલીકરણનું મૂલ્યાંકન કરવું જોઈએ.