ભારતને મળ્યો પહેલો સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયન, આનંદકુમારને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી
નવી દિલ્હીઃ ભારતના આનંદકુમાર વેલકુમારે સ્કેટિંગમાં ઇતિહાસ રચ્યો છે। 22 વર્ષીય આનંદકુમારે ચીનમાં યોજાયેલી સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે જ તે સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. પુરુષ સિનિયર 1000 મીટર સ્પ્રિન્ટ ઇવેન્ટમાં આનંદકુમારે 1:24.924 સેકન્ડના સમય સાથે ફિનિશ લાઇન પાર કરી અને વિશ્વ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો। માત્ર એક દિવસ પહેલા જ તેણે 500 મીટર સ્પ્રિન્ટમાં 43.072 સેકન્ડનો સમય કાઢી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતનો પ્રથમ સિનિયર મેડલ હતો. તે જ સાંજે ભારત માટે વધુ એક ખુશખબર મળી જ્યારે જુનિયર કેટેગરીમાં કૃષ શર્માએ 1000 મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો। આ રીતે ભારતે આ ચેમ્પિયનશીપમાં ડબલ ગોલ્ડ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે.
આગાઉ પણ આનંદકુમારે ભારતને ગૌરવ અપાવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં ચીનના ચેંગદૂમાં યોજાયેલી વર્લ્ડ ગેમ્સમાં તેણે 1000 મીટર સ્પ્રિન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જે રોલર સ્પોર્ટ્સમાં ભારતનું પ્રથમ મેડલ હતું। સતત મળતી આ સિદ્ધિઓ ભારતના સ્કેટિંગને વૈશ્વિક નકશા પર નવી ઓળખ અપાવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આનંદકુમારને અભિનંદન પાઠવ્યા તેમણે X પર લખ્યું હતું કે, “સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપ 2025માં પુરુષ સિનિયર 1000 મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર આનંદકુમાર વેલકુમાર પર ગર્વ છે. તેમના ધૈર્ય, ગતિ અને જજ્બાએ તેમને ભારતનો પહેલો વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યો છે. તેમની સિદ્ધિ અસંખ્ય યુવાનોને પ્રેરણા આપશે। તેમને અભિનંદન તથા ભવિષ્ય માટે શુભકામનાઓ..”