બાંગ્લાદેશે ભારતીય હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યા ભારતે આપ્યો કરારો જવાબ
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ સોમવારે સરહદ સંબંધિત મુદ્દાઓ પર બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર નુરુલ ઇસ્લામને પણ સમન્સ પાઠવ્યા હતા. વિદેશ મંત્રાલય દ્વારા સમન્સ પાઠવ્યા બાદ, નુરુલ ઇસ્લામ મંત્રાલયના સાઉથ બ્લોકમાંથી બહાર આવતા જોવામાં આવ્યા હતા. નુરુલ ઇસ્લામને એવા સમયે સમન્સ પાઠવવામાં આવ્યા છે જ્યારે રવિવારે બાંગ્લાદેશી વિદેશ મંત્રાલયે ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને સરહદ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બાંગ્લાદેશ વિદેશ કાર્યાલયમાં બોલાવ્યા હતા.
ભારત અને બાંગ્લાદેશ સરહદ સુરક્ષા દળો વચ્ચે દરેક મુદ્દા પર ચર્ચા થઈ. શેખ હસીનાની સરકાર દરમિયાન પણ આ માટે મંજૂરી લેવામાં આવી હતી, પરંતુ બળવા પછી, બાંગ્લાદેશના સૈનિકો બાંધકામના કામમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. હવે, બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) એ ઉત્તર અને દક્ષિણ બંગાળ સરહદી વિસ્તારોમાં ઘણી જગ્યાએ બાંધકામનું કામ બંધ કરી દીધું છે, જોકે શેખ હસીના સરકાર સાથે કરાર કરીને આ સ્થળોએ કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ચાર વર્ષ પહેલા બંને દેશોની સેનાઓ વચ્ચે બાંધકામ કાર્ય અંગે એક કરાર થયો હતો, પરંતુ હવે તણાવ વધ્યા બાદ, બંને સેનાના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે ફરી એકવાર વાતચીત થઈ. BSFના ઇન્સ્પેક્ટર જનરલ અને BGB (દક્ષિણ પશ્ચિમ) ના પ્રાદેશિક કમાન્ડર 9 જાન્યુઆરીએ ઉત્તર 24 પરગણામાં બેઠક માટે મળ્યા હતા. જોકે, આ બેઠક છતાં, ગયા શનિવારે કૂચ બિહારના મેખલીગંજમાં બીએસએફ દ્વારા વાડના બાંધકામ સામે BGB કાર્યકરોએ વિરોધ કર્યો હતો.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે રવિવારે ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને સરહદ પર વાડ બનાવવાના વિવાદ અંગે સમન્સ પાઠવ્યું હતું. બાંગ્લાદેશે આરોપ લગાવ્યો હતો કે ભારત બંને દેશો વચ્ચેના કરારનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને ભારત-બાંગ્લાદેશ સરહદ પર પાંચ સ્થળોએ વાડ લગાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.