પાકિસ્તાનમાં 26/11ની ટ્રાયલનું નાટક: ઈસ્લામાબાદ કોર્ટમાં ફરીથી સુનાવણી ટળી
2008માં થયેલા મુંબઈ હુમલાના ગુનેગારોને સજાથી હંમેશા પાકિસ્તાન બચાવતું રહ્યું છે. પાકિસ્તાનની કોર્ટમાં મુંબઈ હુમલાના કેસમાં લાંબા સમયથી ટ્રાયલ ચાલી રહી છે. પરંતુ ગુરુવારે ફરી એકવાર પાકિસ્તાની કોર્ટમાં મુંબઈ હુમલાના કેસની સુનાવણી પાછી ઠેલવામાં આવી છે. ઈસ્લામાબાદની એન્ટિ ટેરર કોર્ટના ન્યાયાધીશે મામલાની સુનાવણી સાક્ષીઓના નિવેદન આપવા માટે રાજી નહીં હોવાનું જણાવીને પાછી ઠેલી છે.
ઈસ્લામાબાદ કોર્ટના જસ્ટિસ આમિર ફારુક અને જસ્ટિસ મોહસિન અખ્તર કિયાની ખંડપીઠે
સુનાવણી કરતા કહ્યું હતું કે છેલ્લા ઘણાં સમયથી આ કેસમાં કોઈ પ્રગતિ થતી જોવા મળી
નથી. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા 26 સાક્ષીઓનો કોઈ અતો-પત્તો નથી.
પાકિસ્તાની મીડિયા અહેવાલ મુજબ, ન્યાયાધીશોએ ટીપ્પણી કરતા કહ્યુ હતુ કે એવું
લાગે છે કે સાક્ષીઓ ઘણા ડરેલા છે. તેના કારણે તેઓ પોતાનું નિવેદન પણ નોંધવવા
ઈચ્છતા નથી. પાકિસ્તાની કોર્ટે કહ્યુ છે કે જ્યાં સુધી તમામ સાક્ષીઓ નિવેદન આપવા
માટે કોર્ટમાં રજૂ નહીં થાય, ત્યાં સુધી મામલાની સુનાવણીને આગળ વધવા દઈ શકાય નહીં.
મહત્વપૂર્ણ છે કે 26 નવેમ્બર, 2008માં થયેલા મુંબઈ હુમલાના તમામ પુરાવા
પાકિસ્તાન તરફ ઈશારો કરે છે. ભારત દ્વારા પણ તમામ પુરાવાઓ પાકિસ્તાનની સામે રજૂપણ
કરવામાં આવ્યા છે. પરંતુ પાકિસ્તાનના આતંકવાદીઓને બચાવનારા વલણને કારણે હજી સુધી
મુંબઈ હુમલાના પીડિતોને ન્યાય મળી શક્યો નથી.
પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલા લશ્કરે તૈયબાના દશ આતંકવાદીઓએ મુંબઈમાં તાજ
હોટલ, રેલવે સ્ટેશન સહીતના વિસ્તારોમાં હુમલા કરીને દહેશત ફેલાવી હતી. ત્રણ દિવસ
સુધી ચાલેલા આતંકવાદી હુમલામાં લગભગ 166 લોકોના મોત નીપજ્યા હતા. તેમા ઘણાં વિદેશી
નાગરિકો પણ સામેલ હતા. આ હુમલામાં નવ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા અને એક
જીવિત પકડાયેલા આતંકવાદી અજમલ આમિર કસાબને 2012માં ફાંસીના માંચડે ચઢાવી દેવામાં
આવ્યો હતો. કસાબે પૂછપરછમાં આતંકી હુમલા પાછળ પાકિસ્તાનની પોલ ખોલી હતી.