હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ડોકલામમાં ફરીથી ડ્રેગનનો સળવળાટ, ચીનની સેનાનું સડક નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે

11:54 AM Jan 17, 2019 IST | Revoi
Advertisement

ડોકલામમાં ફરી એકવાર તણાવ વધે તેવી શક્યતા છે. ચીનની સેનાની સડક નિર્માણની કામગીરી પૂર્ણ થવાના આરે છે. ઈન્ટેલિજન્સ દ્વારા સામે આવી રહેલી અપડેટ મુજબ, લગભગ 12 કિલોમીટર લાંબા મેરુગ લા- ડોકલામ નામના રોડની કામગીરી પૂર્ણ થવાની નજીક છે.

Advertisement

ચીનની
પીપલ્સ લિબરેશન આર્મીએ ડોકલામને ચીનના હાઈવે નેટવર્ક સાથે જોડનારા ઓલ વેધર રોડનું
નિર્માણકાર્ય લગભગ પૂર્ણ કરી લીધું છે. ઈન્ટેલિજન્સ દ્વારા તાજેતરની અપડેટમાં
ખુલાસો થયો છે કે લગભગ બાર કિલોમીટર લાંબા મેરુગ લા-ડોકલામ નામના રોડનું નિર્માણ
પૂર્ણ થવાની નજીક છે.


વર્ષની શરૂઆતમાં કેટલાક મીડિયા અહેવાલોમાં ઈન્ટેલિજન્સ ઈનપુટ્સને ટાંકીને કહેવામાં
આવ્યું હતું કે યાતુંગ મિલિટ્રી બેસ પરથી ડોકલામ વચ્ચે લગભગ બાર કિલોમીટરના
વિસ્તારમાં ચીનની સેનાનું સડક નિર્માણનું કામ ચાલુ છે.

Advertisement

સૂત્રો
મુજબ, ગત વર્ષ સપ્ટેમ્બરથી રોડ પર ડામર લગાવવાની કામગીરી ચાલુ છે. આ સડક નિર્માણનો
આખરી તબક્કો છે. એટલે કે આગામી દિવસોમાં ડોકલામ ખાતે ચીન વધુમાં વધુ સૈનિકોની
તેનાતી કરે તેવી શક્યતા છે. જૂનથી ઓગસ્ટ, 2017 દરમિયાન ડોકલામમાં ભારતીય અને ચીનની
સેના વચ્ચે 73 દિવસ સુધી સૈન્ય ગતિરોધની સ્થિતિ ઉભી થઈ હતી.

સૂત્રો
મુજબ, યાતુંગથી જેલેપ લા વચ્ચે પણ ચીને સડક બનાવી લીધી છે. 73 દિવસનો ગતિરોધ
સમાપ્ત થયા બાદ ચીનની સેનાએ સડક નિર્માણનું કામ ઝડપી બનાવ્યું છે.

તાજેતરમાં
એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે દાવો કર્યો
હતો કે ભારતીય સેના પણ ચીનની સીમાની નજીકના વિસ્તારોમાં સડક નિર્માણ કરી રહી છે.
તેમણે દાવો કર્યો હતો કે ભારત પણ સડકો બનાવી રહ્યું છે. કેટલાક વર્ષો પહેલા સુધી
ભારત આમ કરી શકતુ ન હતું. પરંતુ હવે ભારત આ કામ પ્રાથમિક ધોરણે કરે છે. તેઓ આના પર
ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. તેમણે પીએલએ સાથે પોતાની મિલિટ્રી-ટુ-મિલિટ્રી
વાટાઘાટો પણ આગળ વધારી છે. તાજેતરમાં ભારતીય સેનાએ ચીનની સેના સાથે સંયુક્ત
સૈન્યાભ્યાસ પણ કર્યો છે. ડોકલામ બાદ ચીજો સકારાત્મક દિશામાં આગળ વધી છે.

સૂત્રોનું કહેવું છે કે સિંચેલ લામાં ચીનની સેનાએ લગભગ 4 .9 કિલોમીટર લાંબા રોડનું નિર્માણ કર્યું છે. આ રોડ ટોરસા નાળાની દિશામાં બની રહ્યો છે. ટોરસા નાળું ડોકલામનો બેસ છે.

ઈન્ટેલિજન્સ ઈનપુટ્સમાં એ પણ જાણકારી આપવામાં આવી છે કે પાર્કિંગ બૅ, હેલિપેડ, કમ્યુનિકેશન ટ્રેન્ચ, ટેન્ટ વગેરે પણ એક વર્ષમાં ડોકલામની આસપાસ સ્પોટ કરાયા છે.

ડોકલામ ભૂટાનનો વિસ્તાર છે. પરંતુ તેના પર ચીન દ્વારા કરવામાં આવેલા દાવાએ તેને વિવાદીત વિસ્તાર બનાવ્યો છે. ભારતનું માનવું છે કે ડોકલામ ભૂટાનની જમીન છે. તેની સાથે જ આ વિસ્તાર ભારતના મુખ્ય ભૂભાગને ઈશાન ભારતીય રાજ્યો સાથે જોડનારા ચિકન નેકના વિસ્તારની પણ બેહદ નજીક છે. તેને કારણે વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ ભારત માટે ડોકલામ બેહદ મહત્વપૂર્ણ વિસ્તાર છે. ગત વર્ષ જૂનમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા ડોકલામ ટ્રાઈજંક્શન ખાતે સડક નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. ભૂટાન તરફ મદદનો હાથ લંબાવતા ભારતીય સેના ડોકલામ સુધી પહોંચી ગઈ અને ભારતીય સેનાએ પીએલએ દ્વારા થઈ રહેલી સડક નિર્માણની કામગીરીને અટકાવી હતી. જેને કારણે 73 દિવસ સુધી ભારત અને ચીનની સેનાઓ એકબીજાની સામે તેનાત રહી હતી.

રાજદ્વારી વાતચીત બાદ ગત વર્ષ ઓગસ્ટમાં સૈન્ય ગતિરોધ સમાપ્ત થયો હતો. પરંતુ બંને દેશોના સંબંધોમાં ઠંડાપણું આવી ગયું હતું. જો કે વુહાન ખાતે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનૌપચારીક વાતચીત બાદ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો ફરીથી પાટા પર ચઢતા દેખાયા હતા. પરંતુ ડોકલામમાં ચીનની નવી હરકત પાટા પર ચઢી રહેલા ભારત-ચીનના દ્વિપક્ષીય સંબંધો સામે એક ગંભીર ખતરાનું સ્વરૂપ લઈ શકે તેવી શક્યતાઓ પણ ફરી એકવાર ઉભી થવાની સંભાવના વધી છે.

Advertisement
Advertisement
Next Article