લદ્દાખમાં BROનો ઇતિહાસ રચ્યો : 19,400 ફૂટ ઊંચાઈએ રસ્તો બનાવ્યો
નવી દિલ્હીઃ લદ્દાખમાં બોર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન (BRO)એ ઇતિહાસ રચ્યો છે. BROની પ્રોજેક્ટ હિમાંક ટીમે લેહ જિલ્લાના લિકારૂ-મિગલા-ફુકચે માર્ગ પર 19,400 ફૂટ ઊંચાઈએ ‘મિગલા’ દર્રો પાર મોટર ચાલવા યોગ્ય રસ્તો બનાવ્યો છે. આ સાથે BROએ પોતાનો જ પહેલાનો ગિનેઝ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. અગાઉનો રેકોર્ડ પણ BROના નામે જ હતો, જે ઉમલિંગલા ખાતે 19,024 ફૂટની ઊંચાઈએ બનાવવામાં આવ્યો હતો.
પ્રોજેક્ટ હિમાંકના ચીફ ઇજનેર બ્રિગેડિયર વિશાલ શ્રીવાસ્તવના નેતૃત્વમાં ટીમ મિગલા પહોંચી અને ત્યાં રાષ્ટ્રીય ધ્વજ તથા BROનો ધ્વજ ફરકાવ્યો હતા. આ માર્ગ હાનલે સેક્ટરથી ભારત-ચીન સરહદે આવેલા ફુકચે ગામ સુધી જતો ત્રીજો મહત્વનો રસ્તો બની ગયો છે. આ માર્ગ માત્ર સીમા સુરક્ષા માટે જ નહીં, પરંતુ લદ્દાખમાં પ્રવાસન માટે પણ એક મહત્વની સિદ્ધિ સાબિત થશે. BRO અત્યાર સુધી વિશ્વના 14 સૌથી ઊંચા મોટર યોગ્ય દર્રાઓમાંથી 11 દર્રાઓ પર માર્ગ નિર્માણ કરી ચૂક્યું છે. આ સિદ્ધિ BROના અદમ્ય સાહસ, શ્રેષ્ઠ એન્જિનિયરિંગ અને કઠિન પરિસ્થિતિઓમાં પણ કાર્ય પૂર્ણ કરવાની લાલસાને દર્શાવે છે.