For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં ખંડણી ન આપતા યુસુફ ગેન્ગના સાગરિતોએ યુવકને ઢોરમાર માર્યો, 6ની ધરપકડ

03:20 PM Oct 12, 2025 IST | Vinayak Barot
સુરતમાં ખંડણી ન આપતા યુસુફ ગેન્ગના સાગરિતોએ યુવકને ઢોરમાર માર્યો  6ની ધરપકડ
Advertisement
  • જાહેર રસ્તા પર ટેમ્પો ઊભો રાખવા વેપારીઓ પાસેથી હપતા ઉઘરાવતા હતા,
  • પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયુ,
  • પોલીસે સીસીટીવીના કૂટેજ પણ મેળવ્યા

સુરતઃ શહેરમાં લૂખ્ખાગીરી વધતી જાય છે. સરેઆમ ખંડણી અને હપતા ઉઘરાવતા અસામાજિક તત્વો સામે પોલીસમાં ફરિયાદ ન કરાતા આવા તત્વોને મોકળુ મેદાન મળી ગયું છે. શહેરના લિંબાયત વિસ્તારમાં કુખ્યાત યુસુફ ગેંગનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. શહેરના  લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં હપતો (ખંડણી) ન આપવાના મામલે ગેંગના સભ્યોએ એક યુવકને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. જેના પગલે આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આ બનાવની જાણ થતાં જ લિંબાયત પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપીઓએ બંને હાથ જોડીને માફી માગી હતી.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે,  યુસુફ ગેંગ દ્વારા લિંબાયતના ગોવિંદનગર ખાતે આવેલા એક ખુલ્લા પ્લોટમાં ટેમ્પો ઊભા રાખવા બદલ વેપારીઓ અને વાહનચાલકો પાસેથી રૂપિયા ઊઘરાવે છે. જે લોકો આ હપતો આપવાનો ઇનકાર કરે છે અથવા વિલંબ કરે છે તેમને આ ગેંગના સભ્યો દ્વારા ક્રૂરતાથી માર મારવામાં આવે છે. આવી જ એક ઘટનામાં હપતો ન આપવાના કારણે યુસુફ ગેંગના આરોપીઓએ એક યુવકને નિશાન બનાવ્યો હતો. આ બનાવના સીસીટીવી કૂટેજ પણ વાયરલ થતા હતા.CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપીઓએ યુવકને ખેંચીને જમીન પર સુવડાવી દીધો હતો. ત્યાર બાદ એક આરોપી યુસુફે તો યુવકના માથા પર ઊભા રહીને તેના ચહેરા પર લાતો મારી હતી અને તેના પગ તોડી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ યુવકને ચપ્પુના ઘા પણ માર્યા હતા. યુસુફ ગેંગના ઘાતકી હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

આ ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્ત યુવકનું નિવેદન નોંધી CCTV ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે લઈને વધુ તપાસ હાથ ધરી છે. ઘટના બાદ લિંબાયત પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપીઓએ બંને હાથ જોડીને માફી માગી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement