ગાંધીનગરમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભ કાલે બુધવારે યોજાશે
- મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ’ સમારંભનું આયોજન,
- 57 હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર અપાશે,
- 25 હજારથી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ (POLs)નું વિતરણ કરાશે
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા છે. આ 24 વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જન જનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તા. 7 થી 15 ઓક્ટોબર, 2025 દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત આવતી કાલે તા. 8 ઓકટોબરને બુધવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અને શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ટાઉન હોલ, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ’ સમારંભ યોજાશે.
આ કાર્યક્રમની જિલ્લા કક્ષાની ઉજવણી 32 જિલ્લા મથક પર પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે. રાજ્યની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સપ્ટેમ્બર-2025 સુધીમાં રોજગાર ભરતી મેળા મારફતે 50 હજાર રોજગારવાંચ્છુઓને રોજગારી આપવાના લક્ષ્યાંક સામે છેલ્લા છ મહિનામાં 658 ભરતીમેળાઓ થકી 2.908 નોકરીદાતાઓ દ્વારા પસંદગી પામેલા 57.502 ઉમેદવારોને રોજગાર એનાયત પત્રોનું વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના તાલીમાર્થીઓનો ડ્રોપ આઉટ દર ઘટાડવાના ભાગરૂપે નવિન પહેલ થકી 25 હજારથી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ (POLs)નું વિતરણ કરવામાં આવશે. વધુમાં ITIની ઉભરતી ક્ષિતિજો અને વિકાસની નૂતન પરિભાષાને સાકાર કરવા ઔદ્યોગિક એકમો સાથે MoUs દ્વારા સહભાગિતા વધારવાના ભાગરૂપે 100થી વધુ એકમો સાથે MoUs કરવામાં આવશે. જેથી આગામી સમયમાં 150 જેટલી ITIમાં 20 હજાર જેટલા તાલીમાર્થીઓની તાલીમ ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર કરવામાં યુવાઓની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. જેમાં ગુજરાત પણ યુવાનોને રોજગારી આપીને વિકસિત ગુજરાતની નેમ સાથે આ અભિયાનમાં અગ્રેસર બનીને સહભાગી થઈ રહ્યું છે. જે અંતર્ગત રાજ્યની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષ એટલે કે વર્ષ 2020-21થી 2024-25 સુધીમાં કુલ 7712 ભરતી મેળાઓ તથા અન્ય સહાયક પ્રવૃતિઓ થકી અંદાજે 13.99 લાખ કરતા વધુ યુવાઓને રોજગારી આપવામાં આવી છે.