જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક કારની અડફેટે યુવાનું મોત
- કારચાલકે ટક્કર મારતા યુવાન ઈજાગ્રસ્ત બન્યો
- ઈજાગ્રસ્ત યુવાનને ઉચકીને સારવાર માટે લઈ જતા બે યુવાનોને અન્ય કારે અડફેટે લીધા,
- અન્ય કારની અડફેટે ઈજાગ્રસ્ત યુવાનું મોત
જામનગરઃ જિલ્લામાં હાઈવે પર અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ધ્રોળ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે આવેલી કારે એક યુવાન વ્યક્તિને ટક્કર મારી હતી. તેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનને અન્ય બે યુવાનો ઉચકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની તજવીજ કરી રહ્યા હતા. તે દરમિયાન અન્ય પૂરફાટ ઝડપે આવેલી કારે ઈજાગ્રસ્ત યુવાન અને તેને ઉંચકીને લઈ જતા અન્ય બે યુવાનોને અડફેટે લીધા હતા. જેમાં ઈજાગ્રસ્ત યુવાનું મોત નિપજ્યું હતું જ્યારે બે યુવાનોને ઈજાઓ થઈ હતી.
જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલના સોયલ નજીક એક વિચિત્ર અકસ્માત બન્યો હતો. એક કારના ચાલકે અજાણ્યા યુવાનને ઠોકર મારીને ઇજાગ્રસ્ત બનાવ્યો હતો. જે ઇજાગ્રસ્ત યુવાનને ઊંચકીને સારવાર માટે લઈ જઈ રહેલા બે યુવાનોને અન્ય કારના ચાલકે ઠોકરે ચડાવતાં બંને ઈજાગ્રસ્ત બન્યા હતા. ઉપરાંત ગંભીર સ્વરૂપે ઘાયલ થયેલા અજ્ઞાત યુવાન પર કારનું વ્હીલ ફરી વળતાં મોત નિપજ્યુ હતું.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ગામના પાટીયા પાસે સવારે 10.00 વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેતી જી.જે. 10 એ.પી. 5168 નંબરની કારના ચાલકે એક અજાણ્યા યુવાનને હડફેટમાં લઈ ભાગી છૂટ્યો હતો. જે અજ્ઞાત યુવાન ઘાયલ થઈને બેશુદ્ધ અવસ્થામાં માર્ગ પર પડ્યો હતો. દરમિયાન ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં રહેતા હસમુખ જેન્તીભાઈ કગથરા નામના ખેડૂતે અન્ય યુવાનની મદદ લઈને ઇજાગ્રસ્ત યુવાનને માર્ગ ઉપરથી ઊંચકીને સારવાર માટે સાઈડમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, જે દરમિયાન પાછળથી જી.જે. 10 એ.પી. 8365 નંબરની અન્ય એક કાર આવી જતાં હસમુખ ભાઈ અને તેની સાથે રહેલા અન્ય એક યુવાનને ઇજા થઈ હતી, જેથી બંનેને સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઇજાગ્રસ્ત યુવાન કે જે ફરી માર્ગ ઉપર પટાકાયો હતો. દરમિયાન પાછળથી આવી રહેળી કારમાં ચાલકે ફરીથી ઈજાગ્રસ્ત બનેલા બે શુદ્ધ યુવાનને કચડી નાખતાં તેના ઉપરથી કારનું વહીલ ફરી વળાવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવાન હસમુખ પટેલે બંને જુદી જુદી કારના ચાલકો સામે અજાણ્યા યુવાનનું મૃત્યુ નિપજાવવા અંગે તેમજ પોતાને ઇજાગ્રસ્ત બનાવવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ કરી રહી છે.