તમારા પૈસા, તમારો અધિકાર: બેંકિંગ સિસ્ટમમાં પડ્યા છે બિનવારસી 78000 કરોડ, PM મોદીની નાગરિકોને ખાસ અપીલ
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાન્ય જનતાને અપીલ કરતા કહ્યું છે કે, 'તમારા પૈસા, તમારો અધિકાર' પહેલનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક નાગરિક પોતાનો હકનો પૈસો પાછો મેળવી શકે, કારણ કે ભારતીય બેંકો, વીમા અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં હજારો કરોડ રૂપિયા 'બિનવારસી' પડ્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇન પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આ એક ભૂલાઈ ગયેલી નાણાકીય સંપત્તિને નવી તકમાં પરિવર્તિત કરવાનો મોકો છે. આવો, આપણે સૌ સાથે મળીને એક પારદર્શક, આર્થિક રીતે સશક્ત અને સમાવેશી ભારતનું નિર્માણ કરીએ."
તાજેતરમાં, એક સમિટમાં પ્રધાનમંત્રીએ આ અંગે કેટલાક આંકડા રજૂ કર્યા હતા. ભારતીય બેંકો પાસે નાગરિકોના 78,000 કરોડ રૂપિયા બિનવારસી પડ્યા છે. વીમા કંપનીઓ પાસે લગભગ 14000 કરોડ રૂપિયા બિનવારસી પડ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ પાસે લગભગ 3000 કરોડ રૂપિયા અને 9000 કરોડ રૂપિયાના ડિવિડન્ડ પણ બિનવારસી છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ તથ્યોથી ઘણા લોકોને આશ્ચર્ય થયું છે. તેમણે કહ્યું, "આખરે, આ સંપત્તિઓ અસંખ્ય પરિવારોની મહેનતની બચત અને રોકાણ છે. આ સ્થિતિ સુધારવા માટે, ઓક્ટોબર 2025 માં 'તમારા પૈસા, તમારો અધિકાર' પહેલ શરૂ કરવામાં આવી હતી, જેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક નાગરિક તે પાછું મેળવી શકે જે ખરા અર્થમાં તેનું છે."
આ બિનવારસી ફંડને ટ્રેક કરવા અને ક્લેમ કરવાની પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા માટે ખાસ પોર્ટલ બનાવવામાં આવ્યા છે:
UDGAM પોર્ટલ: ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસે બિનવારસી બેંક ડિપોઝિટ માટે.
વીમા ભરોસા પોર્ટલ: વીમા નિયમનકારી અને વિકાસ પ્રાધિકરણ (IRDAI) પાસે બિનવારસી વીમા પોલિસીના પૈસા માટે.
મિત્ર પોર્ટલ: ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI) પાસે મ્યુચ્યુઅલ ફંડ્સમાં બિનવારસી રકમ માટે.
IEPFA પોર્ટલ: કોર્પોરેટ બાબતોના મંત્રાલય પાસે બિનચૂકવાયેલા ડિવિડન્ડ અને બિનવારસી શેર માટે.
પીએમ મોદીએ જણાવ્યું કે, "મને જણાવતા આનંદ થાય છે કે ડિસેમ્બર 2025 સુધીમાં, ગ્રામીણ અને શહેરી ભારતના 477 જિલ્લાઓમાં સુવિધા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દૂરના વિસ્તારોને આવરી લેવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે." તેમણે ઉમેર્યું કે, સરકાર, રેગ્યુલેટરી બોડી, બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી, અત્યાર સુધીમાં લગભગ 2000 કરોડ રૂપિયા તેમના સાચા માલિકોને પરત કરવામાં આવ્યા છે.
પીએમ મોદીએ જનતાને આ અભિયાનમાં મદદ કરવા વિનંતી કરતા કહ્યું કે, "આવનારા દિવસોમાં આ અભિયાનને વધુ વધારવામાં આવશે. હું તમને વિનંતી કરું છું કે, તમારા અથવા તમારા પરિવાર પાસે બિનવારસી ડિપોઝિટ, વીમાના પૈસા, ડિવિડન્ડ કે રોકાણ છે કે નહીં તે તપાસો. મેં ઉલ્લેખ કરેલા પોર્ટલોની મુલાકાત લો અને તમારા જિલ્લામાં યોજાયેલા સુવિધા કેમ્પનો ઉપયોગ કરો."