ગુજરાતના યુવક-યુવતીઓ નિઃશુલ્ક હિમાલય ભ્રમણ કરી શકશે
ગાંધીનગરઃ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા,સાધના ભવન, માઉન્ટ આબુ દ્વારા આગામી જુલાઈ 2025માં હિમાલય ભ્રમણ કાર્યક્રમ યોજાશે તેમાં યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, હિમાલય ભ્રમણ ટુકડીમાં જોડાવવા ઇચ્છતા યુવક-યુવતીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. નિયત અરજી પત્રક તથા મૂળ જાહેરાત svim administrationના ફેસબુક પેજ પરથી મેળવવાનું રહેશે. ઈચ્છુક ઉમેદવારે પોતાનું પુરું નામ, સરનામું, ટેલિફોન નંબર,જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત વગેરે દર્શાવવાનું રહેશે. તદઉપરાંત શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો જન્મનો દાખલો અથવા ડોમીસાઈલ પ્રમાણપત્ર, વાલીની સંમતી, ખડક ચઢાણનો એડવાન્સ કોચિંગ કોર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર સામેલ હોવું જરૂરી છે. અત્રે નોંધનીય છે કે, કોચિંગ કોર્ષ સફળતા પુર્વક પૂર્ણ કરનારને અગ્રતા આપવામાં આવશે.
આ ઉપરાંત માઉન્ટ આબુ, જુનાગઢ ખાતે વર્ષ 2024-25માં માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપી હોય તો તેના પ્રમાણપત્રોની નકલ જોડવાની રહેશે.સંપુર્ણ વિગતો તથા બિડાણો સાથેની અરજી તા.07 મે, 2025 સુધીમાં આચાર્ય સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ- 307501 મોકલી આપવાની રહેશે. ઉમેદવારને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવે ત્યારે સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોની લાયકાત અને ગુણવત્તાના આધારે પસંદગી કરાશે.પસંદગી પામેલ ઉમેદવારોને તેમના વતનથી હિમાલય ખાતેના ભ્રમણ સ્થળ સુધી જવા-આવવાના પ્રવાસ ખર્ચ, ભોજન ખર્ચ તેમજ નિવાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પુરી પાડવામાં આવશે. અન્ય વ્યક્તિગત સાધન સામગ્રીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારને ઈ- મેઇલ/ફોન દ્વારા જાણ કરાશે. તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.