ઉનાળાના આગમન પહેલા જ યલો એલર્ટની આગાહી, રાજકોટમાં તાપમાન 37 ડિગ્રી
- દરિયાકાંઠા વિસ્તારમાં 5 દિવસ બફારા સાથે તાપમાનમાં વધારો થશે
- અરબ સાગરમાં ભેજને લીધે બફારો લોકોને અકળાવશે
- આ વખતે ઉનાળો વધુ આકરો બનશે
અમદાવાદઃ ઉનાળાના આગમન પહેલા જ તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમી અનુભવાય રહી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે. રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને વટાવી ગયો છે. જ્યારે વડોદરા અને સુરતમાં પણ તાપમાનનો પારો 34 ડિગ્રીને વટાવી ગયો છે.
ગુજરાતમાં શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ આ વખતે ઉનાળો વધુ આકરો રહેવાની શક્યતા છે. હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં લોકોને એપ્રિલ જેવી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હજુ પણ આગામી સાત દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પર હાલમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવનો ફુંકાઈ રહ્યા છે. આ પવનો શુષ્ક રહેવાને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ અરબ સાગરના ભેજને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં બફારાનો અનુભવ થશે. આગામી 24 કલાક ગુજરાતનું મહત્તમ તાપમાન યથાવત્ રહેશે ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. લઘુતમ તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે, એટલે કે ગુજરાતમાં હવે શિયાળાની અસર વર્તાય એની શક્યતા જણાતી નથી.
ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ તાપમાન કેવું રહેશે તેની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે લોકોએ ભારે ગરમીનો સામનો કરવો પડશે. હજુ ફેબ્રુઆરી પૂર્ણ થયો નથી ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ તા. 24થી 28 ફેબ્રુઆરી દરમિયાન 17 જિલ્લામાં અંગ દઝાડતી ગરમી પડી શકે છે. જૂનાગઢ, સુરેન્દ્રનગર, આણંદ, દાહોદ, પંચમહાલ તથા અમદાવાદના કેટલાક ભાગોમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. એટલું જ નહીં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં 37થી 39 ડિગ્રી તાપમાન નોંધાવાની આશંકા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રાજકોટ, બોટાદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિત 11 જિલ્લામાં પણ તાપમાનમાં વધારો થશે. ફેબ્રુઆરીથી જ ગરમીના આ પ્રકોપનું કારણ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. ઉત્તર તરફથી ઠંડી હવાઓનું જોર ઘટવાના કારણે પૂર્વ અને પૂર્વોત્તર તરફથી આવતી હવાઓનું જોર વધી રહ્યું છે.