યાસીન મલિકે આતંકવાદી હાફિઝ સઈદ સાથેની મુલાકાતને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી : આતંકવાદી અને હાલ ટેરર ફંડિંગ કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસીન મલિકના સોગંદનામાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. 25 ઑગસ્ટે દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરેલા એફિડેવીટમાં મલિકે દાવો કર્યો કે તેણે વર્ષ 2006માં પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સાથે મુલાકાત કરી હતી. આ ચોંકાવનારા દાવા પર ભાજપના આઈટી સેલ પ્રમુખ અમિત માલવીયાએ UPA સરકારને ઘેરતા કહ્યું કે જો મલિકના દાવા સાચા હોય તો એ તત્કાલિન સરકારની રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્ત કૂટનીતિ પર ગંભીર સવાલો ઊભા કરે છે. માલવીયાએ ‘એક્સ’ પર લખ્યું કે, આ મુલાકાત મલિકની સ્વતંત્ર પહેલ નહોતી, પરંતુ ભારતીય ગુપ્તચર અધિકારીઓના વિનંતી પર એક શાંતિપ્રક્રિયાનો ભાગ હતી. મુલાકાત બાદ તત્કાલિન પ્રધાનમંત્રી મનમોહનસિંહે વ્યક્તિગત રીતે મલિકનો આભાર માન્યો હતો.
અમિત માલવીયાએ યાસીન મલિકને આતંકવાદી કહીને યાદ અપાવ્યું કે તેણે ભારતીય વાયુસેનાના ત્રણ જવાનોને ગોળી મારીને હત્યા કરી હતી, જે દેશ વિરુદ્ધ યુદ્ધ ઘોષિત કરવાના સમાન છે. એફિડેવીટમાં મલિકે દાવો કર્યો કે વર્ષ 2005ના કાશ્મીર ભૂકંપ બાદ માનવતાવાદી સહાય પહોંચાડવા માટે તેને પાકિસ્તાન જવું પડ્યું હતું. આ પહેલાં દિલ્હી ખાતે IBના તત્કાલિન વિશેષ નિદેશક વી.કે. જોષી સાથે તેની મુલાકાત થઈ હતી. જોષીએ વિનંતી કરી કે જો તે પાકિસ્તાનના વડાપ્રધાન, હાફિઝ સઈદ અને અન્ય આતંકી નેતાઓ સાથે વાતચીત કરે તો કાશ્મીર મુદ્દે ચાલી રહેલી શાંતિપ્રક્રિયામાં મદદરૂપ થશે. મલિકે વધુમાં જણાવ્યું કે વી.કે. જોષીની વિનંતી પર તેણે પાકિસ્તાનમાં હાફિઝ સઈદ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ દિલ્હી પાછા ફરતાં તેને જોષીને ડિબ્રીફિંગ કર્યું અને પ્રધાનમંત્રીને જાણ કરવા કહ્યું. એ જ સાંજે મલિક મનમોહનસિંહને મળ્યો, જ્યાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એન.કે. નારાયણ પણ હાજર હતા.
યાસીન મલિકે આક્ષેપ કર્યો કે, “શાંતિ માટે કરેલા મારા પ્રયાસોને વિપરીત રીતે રજૂ કરવામાં આવ્યા. મને દૂત તરીકે જોવાના બદલે વિશ્વાસઘાત કરવામાં આવ્યો. 13 વર્ષ બાદ આ બેઠકને સંપૂર્ણપણે અવગણવામાં આવી.”