WPL 2025: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલી મેચમાં ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું
વડોદરાઃ મહિલા પ્રીમિયર લીગ 'WPL 2025' શુક્રવારથી શરૂ થઈ. ગુજરાતના વડોદરામાં પહેલી મેચમાં ગુજરાત જાયન્ટ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) આમને-સામને હતા. રિચા ઘોષ અને કનિકા અનુજાની દમદાર બેટિંગના કારણે કારણે RCB એ GGને છ વિકેટે હરાવીને જીત સાથે શરૂઆત કરી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 201 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીને શરૂઆતના બે ઝટકા મળ્યા. માત્ર 14 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ, એલિસ પેરીએ 34 બોલમાં 57 રનની આક્રમક ઇનિંગ રમી. અંતે, રિચા ઘોષ (27 બોલમાં 67) અને કનિકા અનુજા (13 બોલમાં 30) એ 37 બોલમાં 93 રનની અણનમ ભાગીદારી કરીને ટીમને વિજય અપાવ્યો. બંનેએ ગુજરાતના બધા બોલરોને ચકનાચૂર કરી દીધા. આરસીબીએ નવ બોલ બાકી રહેતા 18.3 ઓવરમાં મેચ જીતી લીધી. રિચા ઘોષે સાત ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા.
ગુજરાત તરફથી એશ્લે ગાર્ડનરે બે વિકેટ લીધી. સયાલી સતઘડે અને ડિઆન્ડ્રા ડોટિને એક-એક વિકેટ લીધી. ગુજરાત જાયન્ટ્સ તરફથી બેથ મૂની અને લૌરા વોલ્વાર્ડે ઇનિંગની શરૂઆત કરી. બેથે 42 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 56 રન બનાવ્યા. કેપ્ટન ગાર્ડનરે ચોથા નંબર પર બેટિંગ કરતા 37 બોલમાં 79 રનની ધમાકેદાર ઇનિંગ રમી. તેણે ત્રણ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા. આરસીબી તરફથી રેણુકા સિંહે સૌથી વધુ બે વિકેટ લીધી. તેણે ચાર ઓવરના ક્વોટામાં કુલ 25 રન આપીને બે બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા. કનિકા અનુજા, જ્યોર્જિયા વેરહેમ અને પ્રેમા રાવતને એક-એક સફળતા મળી.