ગુજરાતમાં વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવશે, નવ જિલ્લામાં સિંહનો વસવાટ
ગાંધીનગરઃ આગામી 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવશે.વર્ષ 2025નું થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ (વન્યજીવ સંરક્ષણ નાણા: લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ). આ થીમ થકી વિશ્વ વન્યજીવ દિવસ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. આ જ વિઝનને અનુરૂપ, ગુજરાતમાં કાર્યરત પ્રોજેક્ટ લાયન એક પરિવર્તનકારી પહેલ છે, જે એશિયાઇ સિંહોની વસ્તીના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત પ્રોજેક્ટ છે. જે તેમના નિવાસસ્થાનના વ્યૂહાત્મક સંચાલન અને સામુદાયિક ભાગીદારી થકી સિંહોના લાંબાગાળાના અસ્તિત્વને સુનિશ્ચિત કરે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ સ્વાતંત્ર્ય દિનના અવસર પર પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. નવી દિલ્હી ખાતે લાલ કિલ્લા પરથી આપેલા સંબોધનમાં પ્રધાનમંત્રીએ એશિયાઈ સિંહોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ લાયન એ સમુદાયની ભાગીદારી, ટેક્નોલોજી પર ભાર, વન્યજીવ આરોગ્ય સંભાળ, યોગ્ય નિવાસસ્થાન વ્યવસ્થાપન અને માનવ-સિંહ સંઘર્ષને ઘટાડવાના પગલાંઓ દ્વારા સંચાલિત છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત એશિયાઇ સિંહોના સંરક્ષણ સંબંધિત પગલાંઓને આગળ વધારી રહ્યું છે, અને સુનિશ્ચિત કરી રહ્યું છે કે પ્રોજેક્ટ લાયન ગુજરાતના વન્યજીવ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટેના લાંબાગાળાના વિઝન સાથે સુસંગત હોય.
- શું છે પ્રોજેક્ટ લાયન?
ભારત સરકારના વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા તા. 2 નવેમ્બર, 2022ના પત્રથી કુલ ₹2927.71 કરોડના બજેટ સાથે 10 વર્ષનો પ્રોજેક્ટ લાયન મંજૂર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ એશિયાઇ સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન સુનિશ્ચિત કરવાનો છે, જેમની કુલ વસ્તી, વર્ષ 2020ના વસ્તી ગણતરી અંદાજ મુજબ 674ની છે. હાલમાં, રાજ્યના 9 જિલ્લાના 53 તાલુકાઓમાં કુલ 30 હજાર ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી જોવા મળે છે.
આ ઉપરાંત, રાજ્યમાં બરડા સ્થિત અભયારણ્યમાં 8 સિંહોની વસ્તી સ્થાયી થઈ હોવાથી બરડા અભયારણ્યને આ પ્રોજેક્ટ હેઠળ સિંહોના ‘સેકન્ડ હોમ’ (બીજું ઘર) તરીકે વિકસિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં, બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઇ સિંહોના કુદરતી ફેલાવા અને સફળ સંવર્ધનને કારણે, બરડા આજે સિંહોનું બીજું ઘર તરીકે ઉભરી આવ્યું છે. આજે બરડા વિસ્તારમાં 17 સિંહો વસવાટ કરે છે, જેમાં 6 વયસ્ક સિંહ છે અને 11 બાળસિંહ છે. પ્રોજેક્ટ લાયનમાં સિંહના નિવાસસ્થાન અને વસ્તી પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પર્યટન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન, તાલીમ, ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતા સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં આવી છે.
- સિંહ સંરક્ષણના મજબૂત પ્રયાસો
વર્ષ 2024માં નવા બીટ ગાર્ડ્સની નિમણૂક: સિંહ સંરક્ષણને મજબૂત બનાવવા માટે વર્ષ 2024માં 237 બીટ ગાર્ડ્સ (162 પુરુષો, 75 મહિલાઓ) ની ભરતી કરવામાં આવી હતી. તેઓ સંરક્ષિત વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે, સંઘર્ષો અટકાવે છે અને સિંહોના રહેઠાણોનું રક્ષણ કરે છે.
રેસ્ક્યૂ વ્હીકલ્સ તહેનાત કર્યા: વાઇલ્ડલાઇફ ઇમરજન્સી માટે ઝડપી પ્રતિક્રિયા, જંગલી પ્રાણીઓના બચાવ અને સમયસર તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા માટે 92 રેસ્ક્યૂ વ્હીકલ્સ તહેનાત કરવામાં આવ્યા.
ખેડૂતો માટે માંચડાઓ: માનવ-વન્યજીવન ઘર્ષણ ઘટાડવા માટે 11,000 માંચડાઓ બનાવવામાં આવ્યા છે, જે ખેડૂતોને તેમના પાકનું રક્ષણ કરવામાં મદદ કરે છે, તેમજ સિંહો સાથેના સહઅસ્તિત્વ દરમિયાન તેમની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
ખુલ્લા કૂવાઓ પર પેરાપેટ દીવાલો: વન્યજીવોને ખુલ્લા કૂવામાં પડતા બચાવવા અને તેમનું રક્ષણ કરવા માટે એક મુખ્ય સુરક્ષા ઉપાય એ છે કે ખુલ્લા કૂવાઓની ફરતે પેરાપેટ દીવાલો બનાવવામાં આવે. આ માટે 55,108 ખુલ્લા કૂવાઓની ફરતે પેરાપેટ દીવાલો બનાવવામાં આવી છે, જેનાથી વન્યજીવોના મૃત્યુદરમાં ઘટાડો થાય તેમજ પશુઓ અને જળસ્ત્રોતો બંનેને સુરક્ષિત રાખી શકાય.
- પ્રોજેક્ટ લાયન હેઠળ મહત્ત્વની પહેલો:
વન્યજીવોનું આરોગ્ય: ભારત સરકારે વન્યજીવના આરોગ્ય માટે જૂનાગઢ જિલ્લાના નવા પીપળીયા ખાતે નેશનલ રેફરલ સેન્ટરને મંજૂરી આપી છે. આ માટે 20.24 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે અને હાલમાં સેન્ટરની બાઉન્ડ્રી બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
હાઇ-ટેક મોનિટરિંગ: સાસણ ખાતે ગીર વિસ્તારના વન્ય પ્રાણીઓના મોનિટરિંગ માટે એક હાઇ-ટેક મોનિટરિંગ સેન્ટર તેમજ વેટરનરી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વ્યાપક જન ભાગીદારી: ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલા જાગૃતિ કાર્યક્રમોમાં 11,000થી વધુ સંસ્થાઓ અને આશરે 18.63 લાખ વિદ્યાર્થીઓ અને લોકો જોડાયા હતા.
રેલવે સલામતી માટેનાં પગલાં: બૃહૃદ ગીર વિસ્તારમાં આવેલી રેલવે લાઇનો પર સિંહની અવર-જવરના કારણે સંભવિત અકસ્માત નિવારવા માટે રેલવે સાથે એસ.ઓ.પી. (SOP)ની રચના કરવામાં આવી છે, જેના લીધે અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
‘પ્રોજેક્ટ લાયન’ ભારતમાં વન્યજીવ સંરક્ષણ માટે એક ઐતિહાસિક પહેલ છે. આ પહેલ હેઠળ ગુજરાત એશિયાઈ સિંહોના કાયમી અસ્તિત્વ અને તેમની સુખાકારીને સુનિશ્ચિત કરી રહ્યું છે, જે વન્યજીવ સંરક્ષણમાં વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન મજબૂત બનાવશે