વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 : ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત
ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન 12 મહિના પછી ઓસ્ટ્રેલિયન ટીમમાં પરત ફર્યા છે. ગ્રીનની વાપસીથી ઓસ્ટ્રેલિયા વધુ મજબૂત અને સંતુલિત બન્યું છે. ગ્રીને ગયા વર્ષે કરોડરજ્જુની સર્જરી કરાવી હતી, જેના કારણે તે ઓછામાં ઓછા છ મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સિઝનમાં પણ રમી શક્યો નહીં.
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર રહેલા કેપ્ટન પેટ કમિન્સ પણ ટીમમાં પાછા ફર્યા છે. ઝડપી બોલર જોશ હેઝલવુડ પણ વાપસી કરવામાં સફળ રહ્યો છે. કમિન્સ અને હેઝલવુડ ઈજાને કારણે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીનો ભાગ નહોતા. કમિન્સ કેપ્ટન છે, જ્યારે શ્રીલંકા પ્રવાસ પર કેપ્ટન રહેલા સ્ટીવ સ્મિથને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. બ્રેન્ડન ડોગેટ ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે છે.
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 ની ફાઇનલ 11 જૂનથી 15 જૂન દરમિયાન લોર્ડ્સ ખાતે રમાશે. ઓસ્ટ્રેલિયા સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. ઓસ્ટ્રેલિયાએ 2023 ની ફાઇનલમાં ભારતને હરાવ્યું અને પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-2025 ચક્ર દરમિયાન 12 ટેસ્ટમાં 8 જીત, 3 હાર અને 1 ડ્રો સાથે દક્ષિણ આફ્રિકા પ્રથમ ક્રમે છે. ઓસ્ટ્રેલિયા ૧૯ ટેસ્ટમાં ૧૩ જીત, 4 હાર અને 2 ડ્રો સાથે બીજા ક્રમે છે.