10મી મેના રોજ ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ મનાવાશે
- છેલ્લા બે વર્ષમાં ‘રામસર સાઈટ’ વિસ્તારમાં 14.20 લાખથી વધુ યાયાવર પક્ષીઓ મુકામ કર્યો,
- ગત વર્ષે નળસરોવરમાં 6.91 લાખથી વધુ યાયાવર પક્ષીઓ મુલાકાત લીધી
- રાજ્યના પક્ષી અભયારણ્યોમાં યાયાવર પક્ષીઓમાં થયો નોંધપાત્ર વધારો
ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10 મેના રોજ ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ તરીકે ઊજવવામાં આવે છે, જેની થીમ આ વર્ષે ‘પક્ષી-મૈત્રીપૂર્ણ શહેરો અને સમુદાયોનું નિર્માણ’ નક્કી કરવામાં આવી છે. આ દિવસની ઉજવણીના સંદર્ભે વર્ષ 2023 થી 2025 એમ છેલ્લા બે વર્ષમાં રાજ્યની ચાર ‘રામસર સાઈટ’ વિસ્તારમાં અંદાજે 14.20 લાખથી વધુ યાયાવર પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે, એટલે કે, તેમના માટે ગુજરાત પહેલી પસંદગીનું સુરક્ષિત અને મૈત્રીપૂર્ણ રાજ્ય બન્યું છે. જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે. આ પક્ષીઓ મુખ્યત્વે નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવે છે તેમ, વન વિભાગ દ્વારા જણાવાયું હતું.
નળ સરોવર પક્ષી અભયારણ્ય-અમદાવાદ:
વર્ષ 2024-25માં 276 પ્રજાતિઓના સૌથી વધુ કુલ 6.91 લાખથી વધુ યાયાવર પક્ષીઓ નળસરોવરની મુલાકાતે આવ્યા હતા. આ પક્ષીઓમાં મુખ્યત્વે સોલવર, પિન્ટેલ, ગોડવિટ, ગુઝ, પેલિકન, ફ્લેમિંગો, ગર્ગીની, પોચારડ, ઇગલ, ક્રેન, વેડર્સ, સ્ટ્રોક, કૂટ, સ્પૂન બિલ, ઇગ્રેટની વગેરેના પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે. મધ્ય એશિયાના પથ વે પર આવતા નળ સરોવરને વર્ષ 1969માં પક્ષી અભિયારણ્યનો જ્યારે વર્ષ 2012માં ‘રામસર સાઇટ’નો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ સરોવર અંદાજે 120 ચો. કી.મી વિસ્તારમાં ફેલાયલું છે. દર વર્ષે યાયાવર પક્ષીઓ નળસરોવરમાં આવી રોકાણ કરતા હોવાથી અત્યાર સુધીમાં કુલ 328 કરતા વધારે પક્ષીની જાતો નોંધાઈ છે. વન વિભાગ દ્વારા દર બીજા વર્ષે પક્ષીઓની અંદાજીત ગણતરી કરવામાં આવે છે.
ખીજડીયા પક્ષી અભયારણ્ય-જામનગર:
જામનગર જિલ્લામાં આવેલા મરીન નેશનલ પાર્ક-ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વર્ષ 2024માં 286 પ્રજાતિઓના 2,25,169 તેમજ વર્ષ 2025માં સૌથી વધુ 291 પ્રજાતિઓના 3,09.062 એમ કુલ 5.34 લાખથી વધુ સ્થળાંતરીત પક્ષીઓ મુલાકાતે આવ્યા હતા.
ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પાણી પર, જમીન પર, ઝાડ પર, કાદવ કીચડ, શિકારી તથા લાંબા પગ પગવાળા વગેરે પક્ષીઓ જોવા મળે છે. ખીજડીયા પક્ષી અભયારણ્યમાં અત્યાર સુધીમાં કુલ 314 જેટલી પક્ષીની પ્રજાતીઓ જોવા મળી છે. જેમાં 170 જેટલા યાયાવર પક્ષીઓ જેવા કે સાઈબેરીયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મોંગેલીયા, ઈરાક, ઇરાન, યુરોપ, સાઉથ અમેરિકા વગેરે જેવા દેશોમાંથી આવીને ખીજડીયાના મહેમાન બની અભયારણ્યની શાનમાં વધારો કરે છે.
વઢવાણા સરોવર-વેટલેન્ડ:
વઢવાણા સરોવરને વર્ષ 2021માં ‘રામસર સાઈટ’નો દરજ્જો આપવામાં આવ્યો છે. વર્ષ 2023-24માં 167 પ્રજાતિઓના કુલ 58.138 તેમજ વર્ષ 2024-25માં 145 પ્રજાતિઓના 54.169 યાયાવર પક્ષીઓએ વઢવાણા સરોવરની મુલાકાત લીધી હતી. જેમાં મુખ્યત્વે નોર્ધન પીન ટેઈલ, કોમન ટીલ, રૂડી શેલડક, ગ્રે લેમ ગ્રીમ, સ્પુન બિલ્સ, પોન્ડ હેરોન, ગ્રેટર હેરોન, કોરમોરન્ટ, ડાર્ટર, સ્પોટ બીલ ડક, બ્લેક ટેલ ગોડબીટ, વેઈન્ટેડ સ્ટોર્ક, નોર્ધન શોવેલર, કુટ, બ્લેક વિન્મડ સ્ટીલ્ટ, રોસી સ્ટાર્લીંગ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે.
થોળ વન્યજીવ અભયારણ્ય:
વર્ષ 2021થી ‘રામસર સાઈટ’નો દરજ્જો ધરાવતા થોળ વન્યજીવ અભયારણ્યમાં વર્ષ 2024માં 74 પ્રજાતિઓના કુલ 55.587 તેમજ વર્ષ 2025માં 59 પ્રજાતિઓના કુલ 26.162 યાયાવર પક્ષીઓએ મહેમાન બન્યા હતા.
રામસર સાઇટ્સ
ભારતની કુલ 89 રામસર સાઇટ્સમાંથી ચાર રામસર સાઇટ્સ ગુજરાતમાં આવેલી છે. જેમાં, નળ સરોવર પક્ષી અભયારણ્ય, થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય, ખીજડિયા વન્યજીવ અભયારણ્ય અને વઢવાણા વેટલેન્ડનો સમાવેશ થાય છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, ખીજડિયા અભયારણ્ય, નળસરોવર અભયારણ્ય, છારી ઢંઢ, કન્ઝર્વેશન રિઝર્વ, કચ્છનું નાનું રણ-ઘૂડખર અભયારણ્ય, કચ્છનું મોટું રણ- કચ્છ રણ અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય જેવા બહુવિધ વેટલેન્ડ આધારિત રક્ષિત વિસ્તાર છે તેમ, વન વિભાગ દ્વારા વધુમાં ઉમેર્યું હતું.