ગુજરાત સહિત દેશભરમાં કાલે 21 માર્ચે 'વિશ્વ વન દિવસ'ની ઉજવણી કરાશે
• વર્ષ ૨૦૨૫માં વિશ્વ વન દિવસની થીમ "વનો અને ખોરાક" નક્કી કરાઇ
• વનના મહત્વથી લોકોને અવગત કરાવવા માટે અનેક કાર્યક્રમો યોજાશે,
ગાંધીનગરઃ પર્યાવરણ અને માનવજીવન માટે વનોનું મહત્વ પ્રતિબિંબિત કરવા દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા 21 માર્ચને 'આંતરરાષ્ટ્રીય વન દિવસ' મનાવવામાં આવે છે. આ તારીખને ઉત્તરી ગોળાર્ધમાં વસંત ઋતુની શરુઆત થતી હોવાથી પસંદ કરવામાં આવી છે, જે કુદરતના પુનર્જીવન અને જીવનને જાળવવામાં વનોનું મહત્વ દર્શાવે છે. તે વસંત સંતાપ સાથે પણ સંલગ્ન છે, જ્યારે દિવસ અને રાત્રિના સમય સમાન હોય છે, જે પ્રકૃતિમાં સંતુલનને તથા વનોના પર્યાવરણ અને પ્રકૃતિના સંતુલન જાળવવા માટેના મહત્વને પ્રતીકરૂપે રજૂ કરે છે.
આ વર્ષે ગુજરાત વન વિભાગ દ્વારા રાજ્યભરમાં શાળાના બાળકો, સ્થાનિક લોકો અને JFMCs જેવા હિતધારકો સાથે સાયકલ રેલી, કાર્યશાળાઓ અને અન્ય જાગૃતિ કાર્યક્રમો દ્વારા વનોના મહત્વથી લોકોને અવગત કરાવવા માટે અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યું છે.
વધુમાં આ વર્ષે વિશ્વ વન દિવસની થીમ "વનો અને ખોરાક" એવિનોની ખોરાક સુરક્ષા, પોષણ અને આજીવિકાની પુરવણી માટેની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. ગુજરાતમાં, કે જ્યાં વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વન પરિપ્રેક્ષ્ય છે, આ વિષય ખાસ મહત્ત્વ ધરાવે છે. કારણ કે, રાજ્યના વનો ગામનાં તથા શહેરનાં લોકો માટે આવશ્યક સાધનો પૂરા પાડે છે. જે ત્યાંની ખોરાક પ્રણાલીઓ, સ્થાનિક અર્થવ્યવસ્થાઓ અને પર્યાવરણીય સ્થિરતામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
ગુજરાતના વનો, જે રાજ્યના જમીન વિસ્તારમાં લગભગ 11% ટકા છે, તે માત્ર જૈવવિવિધતાના હોટસ્પોટ્સ નથી પરંતુ સ્થાનિક ખોરાક પ્રણાલીઓ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. નોન-ટીમ્બર વન ઉત્પાદનો (NTFPs) જેમ કે ફળ, કંદમૂળ, મધ, મશરૂમ્સ અને ઔષધીય વનસ્પતિઓ ગ્રામ્ય અને આદિવાસી સમુદાયોના આહારનો અભિન્ન ભાગ છે. ખાસ કરીને ડાંગ જેવા જંગલ વિસ્તારોમાં, જ્યાં જંગલમાં રહેતી વસતિ જીવનનિર્વાહ તથા આવક માટે આ સાધનો પર અવલંબિત છે. ઉદાહરણ તરીકે, જંગલમાંથી એકત્રિત કરવામાં આવેલ મધ આદિવાસી સમુદાય માટે મુખ્ય આવક સ્ત્રોત છે, જ્યારે જંગલી ફળો તેમના પોષણને પૂરક કરે છે, જે વૈવિધ્યપૂર્ણ અને ટકાઉ ખોરાક પુરવઠો પ્રદાન કરે છે.
ખોરાક પ્રદાન કરવા ઉપરાંત ગુજરાતના વનો જમીનની ફળદ્રુપતાની જાળવણી તથા જળ-સંચાલન અને પોલિનેશન દ્વારા આસપાસના વિસ્તારની કૃષિ ઉત્પાદકતા વધારવામા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ડાંગ અને સૌરાષ્ટ્ર જેવા પર્વતીય વિસ્તારોમાં, વનો જમીનનુ ખવાણ અટકાવે છે અને કૃષિ માટે યોગ્ય જમીન સુનિશ્ચિત કરે છે.
વધુમાં, આ વનો ભૂગર્ભજળને પુનઃચાર્જ કરવામાં સહાય કરે છે, જે કૃષિ અને દૈનિક જરુરીયાત માટે પાણીની ઉપલબ્ધતા પ્રદાન કરે છે. કચ્છ જેવા સૂકા વિસ્તારમાં, વનોનુ સંરક્ષણ પાણીની ઉપલબ્ધિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જે કૃષિ સમુદાયોને દુષ્કાળ અને પર્યાવરણીય પડકારો માટે વધુ સ્થિતિસ્થાપક બનાવે છે.
ગુજરાતના વનો ટિમરૂના પાંદડા, મહુડાના ફૂલો, મહુડાના બીજ, ગુંદર, કેસુડાના ફૂલો અને વિવિધ ઔષધીય છોડ જેવી નાના વન ઉત્પાદનો (MFP) એકત્ર કરનાર સ્થાનિક ગ્રામ્ય સમુદાયોની આજીવિકા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ MFPs સ્થાનિક અર્થવ્યવસ્થાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કેમકે તે જીવન માટે ટકાઉ આવક પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, ટિમરૂના પાંદડા બીડી બનાવવા માટે ઉપયોગી થાય છે. મહુડાના ફૂલો પરંપરાગત પીણાં અને સ્થાનિક મીઠાઈઓમાં ઉપયોગમાં લેવાય છે, જ્યારે મહુડાના બીજનુ તેલ મૂલ્યવાન છે. ગુંદર અને કેસુડા ફૂલોના વિવિધ ઔધોગિક અને ઔષધીય ઉપયોગ છે. આ ઉપરાંત, વાંસ દક્ષિણ ગુજરાતની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જ્યાં તેનો ઉપયોગ બાસ્કેટ, ચટાઈ અને ફર્નિયર વગેરે બનાવવામાં થાય છે.
આ વર્ષની આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમને અનુરૂપ, ગુજરાત સરકાર વિવિધ એન.જી.ઓ અને સ્થાનિક સમુદાયોના સહયોગથી, વૃક્ષારોપણ અભિયાન, વિવિધ જાગૃતિ અભિયાનો અને કાર્યશાળાઓ દ્વારા વન સંરક્ષણ અને તેના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહિત કરી રહી છે. ગુજરાત વન વિભાગ સુચારુ વન વ્યવસ્થાપન માટે આપણા પરંપરાગત જ્ઞાનને આધુનિક સંરક્ષણ તકનીકીઓ સાથે સંકલિત કરે છે જેથી આપણા વનો લોકોને તથા પ્રકૃતિને મદદરૂપ થઇ શકે.