સિંધુ જળ સંધિ મામલે હત્સક્ષેપ કરવાનો વિશ્વ બેંકનો ઈન્કાર
નવી દિલ્હીઃ વિશ્વ બેંકના અધ્યક્ષ અજય બંગાએ સ્પષ્ટતા કરી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960ની સિંધુ જળ સંધિમાં વિશ્વ બેંકની ભૂમિકા ફક્ત 'સહાયક' અર્થાત્ મધ્યસ્થી તરીકેની છે. તે આ સંધિમાં હાલની સ્થિતિએ ઉદ્ભવેલી મડાગાંઠને ઉકેલવા માટે હસ્તક્ષેપ નહીં કરે. વિશ્વ બેંક ભારતને રોકવા માટે કોઈ પ્રકારનો હસ્તક્ષેપ કરશે નહીં.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતે તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિ સ્થગિત કરતા કહ્યું કે, આ નિર્ણય ત્યાં સુધી રહેશે કે જ્યાં સુધી પાકિસ્તાન સ્પષ્ટપણે અને કાયમી ધોરણે આતંકવાદને ટેકો આપવાની નીતિમાંથી પાછું નહીં હટે. આ મુદ્દે મીડિયામાં એવી અટકળો ચાલી રહી હતી કે, વિશ્વ બેંક આ વિવાદમાં હસ્તક્ષેપ કરશે પરંતુ અજય બંગાએ સ્પષ્ટ ના પાડી દીધી છે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અનુસાર, ભારતીય મૂળના વિશ્વ બેંકના પ્રમુખે કહ્યું, "અમારી ભૂમિકા ફક્ત મધ્યસ્થીની છે. મીડિયામાં એવા અહેવાલો છે કે વિશ્વ બેંક હસ્તક્ષેપ કરશે અને વિવાદનો ઉકેલ લાવશે, તે બધી પાયાવિહોણી વાતો છે." ભારત અને પાકિસ્તાન વચ્ચે નવ વર્ષની વાટાઘાટો પછી ૧૯૬૦માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ સંધિ વિશ્વ બેંકની મધ્યસ્થી હેઠળ કરવામાં આવી હતી અને તેણે સિગ્નેચર પણ કરી હતી.
વિશ્વબેંકે કહ્યું કે, "અમારી ભૂમિકા ફક્ત સુવિધા પૂરી પાડવા સુધી મર્યાદિત છે. વિશ્વ બેંક તે સમયે સ્થાપિત ટ્રસ્ટ ફંડ દ્વારા તટસ્થ નિષ્ણાત અથવા મધ્યસ્થી ટ્રિબ્યુનલની નિમણૂક માટે ફી ચૂકવે છે. આ સિવાય અમારી કોઈ ભૂમિકા નથી. વિશ્વ બેંક આ દ્વિપક્ષીય મુદ્દામાં દખલ કરશે નહીં. આ સંધિ હેઠળ સિંધુ નદીનું 80% પાણી પાકિસ્તાનને અને 20% પાણી ભારતને ફાળવવામાં આવ્યું હતું. આ બંને દેશોનો આંતરિક મામલો છે. એમાં અમે કંઈ ના કરી શકીએ. આ સંધિમાં એવું કોઈ પ્રાવધાન નહોતું કે આ સંધિને કોઈ એક દેશ દ્વારા ફગાવી દેવાથી રોકી શકે.