ગટરના પ્રશ્ને ધારાસભ્ય હાર્દિક પટેલના કાર્યાલય પર મહિલાઓએ ગંદુ પાણી ફેંક્યું
- વિરમગામમાં ગોળપીઠા વિસ્તારમાં ગટરના પ્રશ્ને મહિલાઓ વિફરી
- ધારાસભ્ય હાર્દિક પટેલ વિરૂદ્ધ નારેબાજી કરી
- વિરમગામ પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદઃ જિલ્લાના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું આંબેડકર બ્રિજ પાસે અવધ પ્લાઝા કોમ્પલેક્ષમાં કાર્યાલય આવેલું છે. શહેર અને તાલુકાના પ્રશ્નો માટે નાગરિકો કાર્યાલય પર રજુઆત માટે આવતા હોય છે. ત્યારે શહેરના ગોળપીઠા વિસ્તારની મહિલાઓ ગટરના પ્રશ્ને રજુઆત માટે આવી હતી. જો કે તે સમયે કાર્યાલય પર ધારાસભ્ય હાર્દિક પટેલ હાજર નહતા. આથી મહિલાઓએ કાર્યલાયમાં ઘૂંસીને નારેબાજી કરી હતી. આથી કાર્યાલયમાં કામ કરતા ભાવેશભાઈએ નગરપાલિકામાં રજુઆત કરવાનું કહેતા મહિલાઓએ ઉશ્કેરાઈને ગટરનું ગંદુ પાણી કાર્યલય અને તેની દિવાલો પર ફેંક્યુ હતું. આથી હાર્દિક પટેલના કાર્યાલયમાં ઘૂસેલા ટોળાં સામે પોલીસે ફરિયાદ નોંધી છે.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ગાંધીનગર ખાતે મીટિંગમાં ગયા હતા ત્યારે મહિલાઓ અને પુરુષોનું ટોળું આવ્યું હતું. આ તમામ લોકોએ ગટરના ગંદા પાણીના પ્રશ્ન બાબતે નારા લગાવ્યા હતા. એક મહિલાએ ગટરનું ગંદુ પાણી ધારાસભ્ય હાર્દિક પટેલની ઓફિસમાં ઢોળીને ધમકીઓ આપી હતી. જેથી આ મામલે વિરમગામ પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિરમગામમાં આવેલા આંબેડકર બ્રિજ પાસે અવધ પ્લાઝા કોમ્પલેક્ષમાં ધારાસભ્ય હાર્દિક પટેલનું કાર્યાલય આવેલું છે. ધારાસભ્ય હાર્દિક પટેલના કાર્યાલયમાં ભાવેશભાઈ પટેલ કામ કરે છે. સવારે ભાવેશભાઈ અને તેમની સાથેના કાર્યકર્તાઓ કાર્યાલય પર હાજર હતા ત્યારે બપોરે પુરૂષો અને મહિલાઓએ આવીને ધારાસભ્ય હાર્દિક પટેલ તથા નગરપાલિકા વિરુદ્ધમાં નારાઓ લગાવ્યા હતા.જેથી ભાવેશભાઈએ તેમની રજૂઆત બાબતે પૂછતા મહિલાઓને ગોળપીઠા વિસ્તારમાં ગટરના પાણીનો પ્રશ્ન હોવાની જાણ કરી હતી. ત્યારે ભાવેશભાઈએ નગરપાલિકા જઈને રજૂઆત કરવાની સલાહ આપી હતી. જેથી ઉશ્કેરાયેલા લોકોએ બોલાચાલી કરી હતી. પ્લાસ્ટિકના કેરબામાં ગંદુ પાણી લાવેલી મહિલાએ કાર્યાલયમાં ઘૂસીને ટેબલ અને દીવાલ પર ઢોળ્યું હતું. જ્યાં સુધી પ્રશ્નનો નિકાલ ન થાય ત્યાં સુધી તમને નુકસાન કરવાની ધમકી આપી હતી. (File photo)