લીંબડી વઢવાણ હાઈવે પર આવેલા સમલા ગામની મહિલાઓએ પાણીના પ્રશ્ને ચક્કાજામ કર્યો
- મહિલાઓએ પાણી માટે માથે બેડા લઈને ભટકવું પડે છે
- સરકારી તંત્રના વાંકે પીવાના પાણીની નિકટ સમસ્યા
- હાઈવે જામ કરતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના કેટલાક ગામોમાં ભર ઉનાળે પાવીના પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે લીંબડી-વઢવાણ હાઈવે પર આવેલા સમલા ગામે છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી માટે મહિલાઓ માથે બેડા લઈને દર દર ભટકી રહી છે. આ અંદે રજુઆત કરવા છતાંયે તંત્ર દ્વારા પાણીના ટેન્કરની પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે ગામની મહિલાઓએ હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો. દરમિયાન આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને મહિલાઓને સમજાવીને હાઈવે પરથી દુર કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના સમલા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનોએ લીંબડી-વઢવાણ નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામને કારણે હાઈવેના બંને માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. મહિલાઓએ પાણી આપોના સૂત્રો પોકાર્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી.
ગામના સ્થાનિક લોકોના કહેવા મુજબ છેલ્લા એક વર્ષથી સમલા ગામમાં પીવાના પાણીની સમસ્યા વણઉકેલી રહી છે. ભર ઉનાળામાં પરિસ્થિતિ વધુ વણસી છે. મહિલાઓને ધોમધખતા તાપમાં પાણીની એક-એક બૂંદ માટે વલખાં મારવા પડે છે. આ સમસ્યાથી ત્રસ્ત થયેલી મહિલાઓએ રોષ સાથે આંદોલન શરૂ કર્યું હતું. હાઈવે પર ચક્કાજામની જાણ થતાં લીંબડી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આંદોલનકારી મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં ભર ઉનાળામાં પીવાના પાણીની અછતને કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.