For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં ભર ઉનાળે પાણીકાપ સામે મહિલાઓએ માટલાં ફોડીને કર્યો વિરોધ

05:38 PM Apr 09, 2025 IST | revoi editor
રાજકોટમાં ભર ઉનાળે પાણીકાપ સામે મહિલાઓએ માટલાં ફોડીને કર્યો વિરોધ
Advertisement
  • રાજકોટના ગોકૂળધામ, આંબેડકર ચોક વિસ્તારની મહિલાઓએ કર્યું પ્રદર્શન
  • કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો પણ વિરોધમાં જોડાયા
  • પાણીની સમસ્યા સામે ભાજપના પદાધિકારીઓ નિષ્ક્રિય

રાજકોટઃ શહેરમાં સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમને નર્મદાના નીરથી ભરી દેવામાં આવ્યા છે. શહેરમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની કોઈ જ મુશ્કેલી નહીં પડે એવો મ્યુનિના તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. બીજાબાજુ  પ્રિમોન્સૂનની કામગીરીના બહાને જુદા-જુદા 5 વોર્ડનાં વિસ્તારોમાં પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીકાપને લઈ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. શહેરનાં આંબેડકર ચોકમાં મહિલાઓએ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં સ્થાનિક મહિલાઓએ માટલા ફોડી થાળી-વેલણ વગાડી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક લોકોએ કરેલા વિરોધમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો પણ જોડાયા હતા.

Advertisement

રાજકોટ શહેરમાં પ્રિમોન્સૂન કામગીરીનાં બહાને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરનાં વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13નાં 176 જેટલા વિસ્તારમાં પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. ઉનાળો શરૂ થતાં જ પાણીકાપને લઈને વોર્ડ નં 13નાં આંબેડકરનગરમાં મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. સફાઈ અને રિપેરીંગના બહાને ઝીંકી દેવામાં આવેલા પાણીકાપને લઈ મહિલાઓએ હાથમાં થાળી અને વેલણ લઈ થાળી વગાડી હતી. અને માટલા ફોડી રોષ પ્રગટ કર્યો હતો. કોંગ્રેસ પક્ષના પૂર્વ નગરસેવક જાગૃતિબેન ડાંગર પણ વિરોધમાં હાજર રહ્યા હતા.અને તેમણે જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલાં પાણી પુરવઠા મંત્રી અને ખુદ મુખ્યમંત્રીએ રાજકોટને પાણીની મુશ્કેલી નહીં પડે તેવી ખાતરી આપી હતી. આમ છતાં સફાઈ અને રિપેરીંગનાં નામે આ પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો છે. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આંબેડકર નગર વિસ્તારમાં અગાઉથી જ દૂષિત પાણીની ફરિયાદ હતી. તેનો ઉકેલ આવ્યો નથી. ત્યાં આજે પાણીકાપ મૂકી દેવામાં આવતા સ્થાનિકોને પીવા માટે પાણી બચ્યું નથી. આવી કાળઝાળ ગરમીમાં પાણી નહીં હોવાથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટના આંબેડકરનગરમાં પાણી કાપને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મ્યુનિ. દ્વારા લોકોની મુશ્કેલીઓને દુર કરવા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી. દર ઉનાળે પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં ભાજપના શાસકો દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. જેને કારણે આજે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement