મહિલાને સ્વપ્ન આવ્યા બાદ ઊંઘમાંથી સફાળી જાગીને તેના બે બાળકની હત્યા કરી
- નવસારીના બીલીમોરાના દેવરસ ગામે બન્યો બનાવ,
- રાત્રે મહિલાને સ્વપ્ન આવ્યા બાદ મહિલાઓ રૌદ્રરૂપ ધારણ કર્યુ,
- પોલીસે મકાનનો દરવાજો તોડીને આત્મહત્યા કરે તે પહેલા મહિલાને પકડી લીધી
નવસારીઃ જિલ્લાના બીલીમોરામાં ભરઊંઘમાં એક મહિલાને સ્વપ્નમાં કોઈ આદેશ થતાં સફાળી જાગેલી મહિલાએ તેના જ બે માસુમ બાળકોની ગળુ દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેના સસરાને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેના સસરા બુમાબુમ કરીને ઘરની બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો. આ બનાવ બાદ બુમાબુમ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. દરમિયાન મહિલાએ ઘરનો દરવાજો બંધ કરીને આત્મહત્યાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે પોલીસે ઘરનો દરવાજો તોડીને આત્મહત્યા કરે તે પહેલા જ મહિલાની અટકાયત કરી હતી. મહિલાની આ મનઘડત સ્ટોરી છે કે કેમ, અને આ બનાવ કેવી રીતે બન્યો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, નવસારીના બીલીમોરા તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાને રાત્રે એક સપનું આવ્યું કે 'તારાં બાળકોને મારી નાખ' જેથી તેણે જાગીને બાજુમાં સૂતેલાં તેનાં બે બાળકનું ગળું દબાવી દીધું હતું. એ બાદ તેના સસરાને મારવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે તેઓ ભાગી છૂટ્યા હતા અને બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. દરમિયાન ઘરની આગળ ટોળું એકઠું થતાં મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન પોલીસકાફલાએ ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડ્યો તો મહિલા પોતે પણ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પોલીસે મહિલાને ગળાફાંસો ખાતાં અટકાવીને ઝડપી લીધી છે અને બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યાવહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મહિલાના પતિને ટાઈફોઈડ હોવાથી તે બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.