મહિલાને પાર્ટ ટાઈમ જોબ વિશેની રીલની લીંક ક્લિક કરવી પાડી ભારે, લાખોની છેતરપીંડનો બની ભોગ
સોશિયલ મીડિયાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે પરંતુ જ્યારે તેનો દુરુપયોગ થાય છે ત્યારે તે એટલું જ ખરાબ છે. ઈન્સ્ટાગ્રામ પર રીલ પર ક્લિક કરવું મુંબઈની એક મહિલા માટે મોંઘુ પડ્યું છે. જેથી તેને 6.37 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. મુંબઈના ગોરાઈ વિસ્તારની એક મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર પાર્ટ ટાઈમ જોબની જાહેરાત પર ક્લિક કર્યા બાદ 6.37 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. જાહેરાતમાં સરળ ઓનલાઈન કાર્યો દ્વારા ઝડપથી પૈસા કમાવવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ જેવી જ મહિલાએ જાહેરાત પર ક્લિક કર્યું અને પ્રક્રિયા પૂર્ણ કરી, તો તે છેતરપિંડી કરનારાઓની જાળમાં ફસાઈ ગઈ અને તેણે મહેનતથી કમાયેલા પૈસા ગુમાવ્યા હતા.
રિપોર્ટ અનુસાર,મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ જોઈ, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઓનલાઈન વીડિયોને લાઈક કરીને પૈસા કમાઈ શકાય છે. કુતૂહલથી, મહિલાએ આપેલી લિંક પર ક્લિક કર્યું, જે તેને ટેલિગ્રામ જૂથમાં લઈ ગઈ હતી. અહીં ઠગોએ તેમને સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. શરૂઆતમાં મહિલાને વીડિયો લાઈક કરવા જેવા નાના-નાના કામો આપવામાં આવતા હતા, જેના માટે તેને તાત્કાલિક પૈસા મળતા હતા. પ્રારંભિક ચુકવણી પ્રાપ્ત કર્યા પછી, મહિલાએ તેમના પર વિશ્વાસ કર્યો અને છેતરપિંડી કરનારાઓના કહેવા મુજબ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.
પ્રારંભિક ચુકવણી પછી, ઠગોએ મહિલાને વધુ ચૂકવણી કરનારા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. વધુ નફો કરવાનું વચન આપીને, મહિલાએ ત્રણ વ્યવહારોમાં કુલ રૂ. 6.37 લાખ છેતરપિંડી કરનારાઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જો કે, પરિસ્થિતિ ટૂંક સમયમાં બગડી હતી અને વચન મુજબ કોઈ લાભ મળ્યો ન હતો, તેના બદલે છેતરપિંડી કરનારાઓએ "કમાણી" છોડવા માટે "કર" ના નામે વધુ પૈસાની માંગ કરવાનું શરૂ કર્યું હતું. આના પર મહિલાને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે અને તેણે બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આવી ભૂલ કરશો નહીં
- કોઈપણ સોશિયલ મીડિયા પોસ્ટ પર આંધળો વિશ્વાસ ન કરો.
- કોઈપણ લિંક પર ક્લિક કરીને કોઈપણ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં.
- કોઈની સલાહ પર રોકાણ ન કરો, ભલે તમને શરૂઆતમાં નફો દેખાય.
- કોઈ પણ ઘટના બને તો તરત જ પોલીસને જાણ કરો.