વડોદરામાં શાકભાજી લેવા નીકળેલી મહિલા 10 ફુટ ઊંડા ભૂવામાં પડી, લોકોએ મહિલાને બહાર કાઢી
- બન્ને મહિલાને બચાવવા માટે યુવાન પણ ભૂવામાં કૂધ્યો
- લોકોએ દોડી આવીને બન્ને મહિલાને બહાર કાઢી
- ભૂવામાંથી યુવકને સીડી મૂકીને બહાર કાઢવો પડ્યો
વડોદરાઃ શહેરમાં ભરઉનાળે પડેલા કમોસમી વરસાદ બાદ બુધવારે માંજલપુર ટાઉન નજીક રોડ પર એકાએક ભૂવો પડ્યો હતો. બે મહિલા શાકભાજીની ખરીદી કરવા નિકળી હતી ત્યારે ચાલીને બન્ને મહિલાઓ જતી હતી તે સમયે જ ભૂવો પડતા બન્ને મહિલા 10 ફુટ ઊંડા ભૂવામાં પડી હતી. આથી બુમાબુમ કરતા એક યુવાને દોડી આવીને બન્ને મહિલાને બચાવવા માટે તે પણ ભૂવામાં પડ્યો હતો. દરમિયાન લોકો દોડી આવ્યા હતા. અને બન્ને મહિલાને ભૂવામાંથી બહાર કાઢી હતી. ત્યારબાદ સીડી મંગાવીને યુવાનને પણ ભૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવ બાદ મ્યુનિએ તાત્કાલિક ભૂવા પર માટીનું પુરાણ કરાવી દીધુ હતું
વડોદરા શહેરમાં બુધવારે સવારે ખાબકેલા 3 ઇંચથી વધુ વરસાદે મ્યુનિની કામગીરીની પોલ ખુલ્લી પાડી છે. ત્યારે શહેરના માંજલપુર ટાઉનશીપ નજીક શાકભાજી લેવા માટે જતી બે મહિલાઓ એકાએક ભૂવો પડતા તેમાં ખાબકી હતી. 20 ફૂટ પહોળા અને 10 ફૂટ ઊંડા ભૂવામાં પડેલી મહિલાઓને સ્થાનિક લોકોએ હાથ ખેંચી બહાર કઢાયા હતા. મહિલાઓને બહાર કાઢવા ભૂવામાં ઉતરેલા યુવકને સીડી વડે બહાર કઢાયો હતો. ઘટનામાં મહિલાને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
શહેરમાં પડેલા ત્રણ ઇંચ વરસાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાવવા સાથે રોડ બેસી જવાના અને ભૂવા પડવાની ઘટનાઓ બની હતી. ત્યારે શહેરના માંજલપુર ટાઉનશીપ વૈકુંઠધામ સોસાયટી નજીક સવારે શાકભાજી લેવા નીકળેલી બે મહિલાઓ ભૂવામાં પડી જતા વિસ્તારમાં દોડધામ સાથે ભયનો માહોલ ફેલાયો હતો. માંજલપુર ટાઉનશીપ નજીક ફરસાણની દુકાન પાસે ફૂટપાથ પર શાકભાજી લેવા ગયેલી બે મહિલાઓ ઉભી હતી. તે સમયે એકાએક ફૂટપાથ બેસી જતા તેઓ 10 ફૂટ ઊંડા ભૂવામાં ખાબક્યા હતા. જોતજોતામાં ભૂવો 20 ફૂટ પહોળો થયો હતો. ઘટનાને નજરે જોનારા યુવકો અને સ્થાનિક લોકોએ બૂમાબૂમ કરતા મોટી સંખ્યામાં લોક ટોળા એકત્ર થયા હતા. ભૂવામાં યુવકોએ ઉતરીને તેમજ ત્યાં ઉભેલા લોકોએ હાથ ખેંચી બંને મહિલાઓને બહાર કાઢી હતી. આ ઘટનામાં એક મહિલાને પગમાં ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. મહિલાઓને બહાર કાઢવા માટે ભૂવામાં ઉતરેલા યુવકોને સીડી મૂકી બહાર કઢાયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક કાઉન્સિલર સ્થળ પર દોડી ગયા હતા. ભૂવા પડવાનું કારણ તપાસતા ત્યાંથી ગેસ લાઈન અને ખાનગી મોબાઇલ કંપનીના કેબલ જતા હોવાનું ધ્યાને આવ્યું હતું.