નવસારીના ધારીગીરી ગામે પૂર્ણા નદીમાં કપડા ધોવા ગયેલી મહિલા ડૂબી, બેના મોત
- મહિલા ડૂબવા લાગતા તેને બચાવવા ત્રણ મહિલા નદીમાં પડી
- મહિલાની બુમો સાંભળીને યુવાન પણ નદીમાં મહિલાને બચાવવા માટે પડ્યો
- માછીમારોએ દોડી આવીને ત્રણ મહિલાઓને બચાવી લીધી
નવસારી: શહેર નજીક આવેલા ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીના ઓવારા પર ચાર મહિલાઓ કપડાં ધોવા માટે ગઈ હતી. જ્યાં કોઈ કારણોસર એક મહિલા પાણીના પ્રવાહમાં ડૂબી ગઈ હતી જેને બચાવવા માટે અન્ય ત્રણ મહિલાઓ પણ પાણીમાં ઊતરી હતી પરંતુ તેઓ પણ ડૂબવા લાગી હતી આ ઘટના દરમિયાન એક સ્થાનિક યુવાને મહિલાઓને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું, પરંતુ તે પણ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયો દરમિયાન માછીમારોએ દોડી આવીને ત્રણ મહિલાઓને બચાવી લીધી હતી., જ્યારે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો. બચાવ માટે પાણીમાં ઉતરેલા યુવાનની ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલા અને બચાવવા માટે ડૂબી ગયેલો યુવાન યુવાન દિયર અને ભાભી હોવાનું સ્થાનિકો લોકોએ જણાવ્યું હતું.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, નવસારી નજીક ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીના ઓવારા પર ચાર મહિલાઓ કપડા ધોવા માટે ગઈ હતી. દરમિયાન એક મહિલા ઊંડા પાણીમાં ગરકાવ થતાં અન્ય ત્રણ મહિલાઓ પણ તેને બચાવવા નદીમાં પડી હતી. અને ચાર મહિલાઓ પાણીમાં ડૂબી ગઈ હતી. બુમાબુમ થતાં એક યુવાન પર મહિલાને બચાવવા માટે નદીમાં પડ્યો હતો. અને તમામ ડૂબવા લાગ્યા હતા. દરમિયાન નદીમાં માછીમારી કરતા યુવાનો દોડી આવ્યા હતા. અને ત્રણ મહિલાને બચાવી લીધી હતી. જ્યારે એક મહિલા અને યુવાન પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યા હતા. જેમાં 22 વર્ષીય આરતી શૈલેષ શેખલીયાને ત્રણ મહિનાનો ગર્ભ હતો જ્યારે તેઓને બચાવવા માટે નદીમાં ઝંપલાવનાર યુવક જેનું પણ ડૂબવાથી મોત થયું હતું તે 25 વર્ષીય કલ્પેશ હસમુખભાઈ શેખલીયાના લગ્નને માત્ર 12 મહિના થયા હતા.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નવસારીના ધારાગીરી પાસે આવેલા પૂર્ણા નદીના ઓવારા પર ચાર મહિલાઓ કપડાં ધોવા માટે ગઈ હતી. કોઈ કારણોસર તેઓ પાણીમાં ડૂબતા અન્ય એક યુવાને તેઓને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું પરંતુ તે પણ પાણીના વહેણમાં તણાયો હતો હાલ નવસારી ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ત્રણ મહિલાઓનો જીવ બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે એક મહિલા અને એક યુવકનું મોત થયું છે. જેઓના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે.