રાજકોટ-અમદાવાદ હાઈવે પર ડમ્પરે કારને ટક્કર મારતા મહિલાનું મોત
રાજકોટઃ રાજ્યમાં માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં પણ હાઈવે પર બેફામ દોડતા ડમ્પરોને લીધે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ ઓવરબ્રિજ નજીક ડમ્પરે કારને પાછળથી ટક્કર મારતા કારમાં પ્રવાસ કરી રહેલા એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બાળકી સહિત ચાર પ્રવાસીને ઈજાઓ થઈ હતી. રાજકોટના કોઠારીયા રોડ પર રહેતા બે પરિવારના સભ્યો કાળાસર હિંગળાજ માતાજીના મંદિરે કારમાં જતા હતા ત્યારે બનાવ બન્યો હતો
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, રાજકોટ-અમદાવાદ હાઈવે પર ડમ્પરે કારને પાછળથી ટક્કર મારતા કારમાં પ્રવાસ કરી રહેલા 42 વર્ષીય શીતલબેન ભોજકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે પરિવારના બાળકી સહિત ચાર સભ્યોને નાનીમોટી ઇજા પહોંચી હતી. રાજકોટમાં રહેતા પરિવાર કારમાં કાળાસર હિંગળાજ માતાજીના મંદિરે જઈ રહ્યો હતો ત્યારે બનાવ બન્યો હતો. દર્શન કરવા જઇ રહેલા પરિવારને અકસ્માત નડતાં પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. અકસ્માત એટલો ભયાવહ હતો કે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ ઘટના બાદ ફરી એકવાર મોટા વાહનો દ્વારા થતા અકસ્માતો અને તેના પર નિયંત્રણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. નાગરિકોમાં એવી માંગ ઉઠી છે કે પોલીસે બેફામ ઝડપે દોડતા ડમ્પરો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહીઓ કરવી જોઈએ અને ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરાવવું જોઈએ, જેથી આવા અકસ્માતોને રોકી શકાય અને નિર્દોષ લોકોનો ભોગ ન લેવાય.