અમદાવાદમાં ઓઢવ બ્રિજ નીચે 33 વાહનોને આગ ચાંપનારી મહિલાની ધરપકડ
અમદાવાદઃ શહેરના રિંગ રોડ પર ઓઢવ બ્રિજ નીચે પોલીસે ડિટેઈન કરેલા 22 અને અન્ય લોકોના પાર્ક કરેલા 11 વાહનો સહિત 33 વાહનોમાં વહેલી સવારે આગ લાગી હતી. આ બનાવમાં કોઈએ આગ લાગાડી હોવાની પોલીસને શંકા હતી તેથી સીસીટીવીના કૂટેજ મેળવીને તપાસ કરાતા એક મહિલા જોવા મળી હતી, પોલીસે મહિલાની ઓળખ મેળવીને રમીલાબહેન નામની મહિલાની ધરપકડ કરી છે. મહિલાએ પોલીસને એવું નિવેદન આપ્યું છે કે, બ્રિજ નીચે કચરાના ઢગલાંમાં આગ લગાવી હતી. કચરો બાળવા જતાં પવનને લીધે તેના તણખાં ઉડીને પાર્ક કરેલા વાહનો પર જતા તેમાં આગ લાગી હતી,
આ બનાવની વિગતો એવી હતી કે, અમદાવાદ શહેરના રીંગરોડ પર ઓઢવ બ્રિજ નીચે ગયા સોમવારે વહેલી સવારે પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી હતી. જેમાં 33 વાહનો બળીને ખાક થઈ ગયા હતાં. આ મામલે ઓઢવ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં વિવિધ સીસીટીવી અને સ્થાનિકો સાથે પૂછપરછ બાદ પોલીસે વાહનોમાં આગ લગાડનારી મહિલા રમીલાબહેનની ધરપકડ કરી છે. આ અંગે આરોપી રમીલાબહેને પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, વાહનોની નજીકમાં કચરાના ઢગલો હતો, જેમાં આગ લગાડવામાં આવી હતી. બાદમાં પવનના કારણે આગના તણખલાં વાહનોમાં ઉડતાં વાહનોમાં આગ લાગી હતી. જોકે, આગ વધતા ગભરાઈને ત્યાંથી ભાગી ગયા હતાં. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે સોમવારે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનો પાર્ક કરવામાં આવ્યા હતાં. અચાનક આ વાહનોમાં આગ લાગવાથી ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિની થઈ નહોતી. પરંતુ, ડિટેઇન કરેલાં 22 વાહનો અને પાર્ક કરેલા અન્ય 11 વાહનો બળીને ખાક થઈ ગયા હતાં.