અમેરિકામાં ટ્રમ્પ જીતતા સુરતના હીરા ઉદ્યોગકારોને તેજીની આશા જાગી
- છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ વ્યાપક મંદીમાં ફસાયેલો છે,
- રત્ન કલાકારોનું દિવાળી વેકેશન 25મી નવેમ્બર સુધી લંબાવાયુ,
- ડાયમંડ ઉદ્યોગ માટે સૌથી મોટું માર્કેટ અમેરિકા અને ચીન છે
સુરતઃ છેલ્લાં 2 વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે.ખાસ કરીને રશિયા-યુક્રેન યુદ્ધ, પેલેસ્ટાઈન, લેબનોન સહિત દેશોમાં યુદ્ધને કારણે વિશ્વમાં અમેરિકા સહિતના દેશોમાં મંદિનું વાતાવરણ છવાયેલું છે. જેને લઈને આંતરાષ્ટ્રીય માર્કેટમાં હીરાની ડિમાન્ડમાં ઘટાડો થયો છે. બીજી તરફ ચાઈનિઝ લોકો દ્વારા ડાયમંડ જ્વેલરીની જગ્યાએ માત્ર સોનાના દાગીના ખરીદવાનું શરૂ કર્યું છે. જેને લઈને પણ હીરાની ડિમાન્ડમાં ઘટાડો થયો છે. જેની અસર સુરતની ડાયમંડ માર્કેટ પર પડી રહી છે. જોકે હવે અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ટ્રમ્પ ચૂંટાઈ આવતા હવે હીરા ઉદ્યોગમાં તેજી આવશે. એવી હીરા ઉદ્યોગકારોને આશા જાગી છે.
હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી વ્યાપક મંદીનો દૌર ચાલી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીને લીધે ડાયમંડ કટ એન્ડ પોલિશ્ડ કંપનીઓમાં રત્નકલાકારોનું વેકેશન લંબાવાયું છે. શહેરની અનેક મોટી ડાયમંડ ફેક્ટરીઓ દ્વારા કર્મચારીઓને મેસેજ કરીને વેકેશન લંબાયું હોવાની જાણ કરવામાં આવી હતી. અગાઉ 18મી નવેમ્બરના રોજ વેકેશન ખોલવા માટેની જાહેર કરવામાં આવી હતી. પરંતુ હજી દિવાળી વેકેશન પુરું થાય તે પહેલાં જ વેકેશન લંબાવાયું હોવાના મેસેજ કર્મચારીઓને કરવામાં આવ્યા છે. શહેરની અનેક મોટી ડાયમંડ ફેક્ટરીઓમાં દિવાળી વેકેશન 25મી નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યુ છે.
હીરા ઉદ્યોગની વ્યાપક મંદીમાં ઉદ્યોગકારો અને કારખાનેદારોને આશાનું કિરણ દેખાયું છે. ઉદ્યોગકારો એવું માની રહ્યા છે કે, યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા (USA)ના રાષ્ટ્રપતિની ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પે બહુમતી સાથે જીતી લીધી છે. હવે તેઓ ઐતિહાસિક જીત બાદ સરકાર બનાવી રહ્યા છે. ત્યારે બિઝનેસ માઈન્ડેડ ટ્રમ્પ ફરી ત્યાંના લોકોનું વિચારીને નિર્ણય કરશે. ઉપરાંત વૈશ્ચિક સ્તરે યુદ્ધનો માહોલ છે તેમાં યુદ્ધને ટાળવાના પ્રયાસ કરશે. જેથી ભારતમાં અને તેમાં પણ સુરતના ડાયમંડ ઈન્ડસ્ટ્રીને હીરામાં ચમક જોવા મળશે તેવો આશાવાદ બંધાયો છે. કેમ કે, હીરા ઉદ્યોગ સંપૂર્ણ રીતે વિદેશ પર આધારિત છે. તે ભારત સરકારને વિદેશી હુંડિયામણ રળી આપે છે. તેમાંનો એક ઉદ્યોગ ડાયમંડ ઈન્ડસ્ટ્રી છે.
ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાં જોવા મળી રહ્યો છે. હીરાની ચળકાટ જાણે ઓછી થઈ ગઈ હોય તેવું જણાય છે. હીરા ઉદ્યોગમાં આવેલી મંદી પાછળના અને કારણો જવાબદાર છે. જે પૈકી જો બાઈડન સરકારની ઉદ્યોગોને લઈને જે નીતિ હતી. તેની પણ અસર હીરા ઉદ્યોગો પર થઈ હતી. તેમજ વૈશ્વિક સ્તર ઉપર જે રીતે કોરોના અને ત્યારબાદ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, તેના કારણે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. યુદ્ધ જેવી સ્થિતિ હોવાને કારણે ઘણા બધા દેશોની વચ્ચે આર્થિક યુદ્ધ પણ શરૂ થયું હતું અને તેની અસર તેમની નીતિઓ ઉપર દેખાતી હતી. અમેરિકામાં સત્તા પરિવર્તન થયા બાદ હવે હીરા ઉદ્યોગને આશા જાગી છે કે, આવનાર દિવસોમાં હીરા ઉદ્યોગમાં નવો વેગ આવશે.સુરતના હીરા ઉદ્યોગ માટે સૌથી મહત્વના બે દેશો છે. આજે સુરતથી જેટલી પણ જ્વેલરી તૈયાર થાય છે, તે પૈકીની 80 ટકા જ્વેલરી માત્ર અમેરિકા અને ચીનમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. અમેરિકામાં તેનો હિસ્સો 60% કરતાં પણ વધારે છે. અમેરિકાની અંદર જ્યારે પણ કોઈ રાજકીય ઉથલપાથલ કે મંદીનો માહોલ સર્જાતો હોય છે. ત્યારે તેની સીધી અસર ડાયમંડ ઉદ્યોગ ઉપર થાય છે. હાલ જે રીતે અમેરિકાની અંદર સત્તા પરિવર્તન થયું છે. તેના કારણે હીરા ઉદ્યોગમાં એક પ્રકારની નવી આશા જાગી છે. (file photo)