ભારતીય લાઇસન્સની મદદથી કોઈ પણ ભારતીય 25 દેશમાં વાહન હંકારી શકે છે
વિશ્વના અન્ય દેશોની જેમ, ભારતમાં પણ વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી છે. જો તમે લાયસન્સ વગર વાહન ચલાવતા પકડાઈ જાઓ છો, તો તમને ભારે દંડ થઈ શકે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતીય લાયસન્સ સાથે તમે કેટલા દેશોમાં વાહન ચલાવી શકો છો? આ વાત ચોંકાવનારી લાગી શકે છે, પણ એ સાચી છે. ભારતીય લાયસન્સ સાથે, તમે ઘણા દેશોમાં કોઈપણ અવરોધ વિના વાહન ચલાવી શકો છો. આ માટે કોઈ વધારાની પરવાનગીની જરૂર નથી.
જોકે, કેટલાક દેશો એવા છે જ્યાં વાહન ચલાવવા માટે આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ (IDP) જરૂરી છે. એકવાર આ પરમિટ મળી જાય, પછી તમે કોઈપણ ડર વગર વાહન ચલાવી શકો છો. આ પરમિટ સાથે, 150 દેશોમાં ડ્રાઇવિંગ કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ વિના ભારતીય લાઇસન્સ 25 દેશોમાં માન્ય છે. જોકે, આ લાઇસન્સ અસ્થાયી રૂપે માન્ય છે. આ માટે નિયમો અને શરતો નક્કી કરવામાં આવી છે.
અમેરિકા, યુકે જેવા દેશોમાં ભારતીય લાઇસન્સ એક વર્ષ માટે માન્ય છે. અમેરિકામાં લાઇસન્સ અંગ્રેજીમાં હોવું જરૂરી છે, પરંતુ બ્રિટનમાં આવી કોઈ જરૂરિયાત નથી. જોકે, તમારી પાસે IDP હોવું આવશ્યક છે. ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ ઓસ્ટ્રેલિયા, યુકે, ન્યુઝીલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, દક્ષિણ આફ્રિકા, સ્વીડન અને સિંગાપોરમાં એક વર્ષ માટે માન્ય છે. મલેશિયા અને કેનેડામાં ભારતીય લાઇસન્સ ત્રણ મહિના માટે માન્ય છે. તેવી જ રીતે, જર્મની અને સ્પેનમાં લાઇસન્સ 6 મહિના માટે માન્ય રહે છે.