અમદાવાદમાં ફલાવર શો પૂર્ણ થતાં હવે રંગબેરંગી ફુલોના રોપા વેચવા મુકાયા
- શહેરની 5 નર્સરી પર 31મી સુધી ફુલોના રોપા ખરીદી શકાશે
- રિવરફ્રન્ટના ફલાવર શોની 13 લાખ લોકોએ મુલાકાત લીધી હતી
- ફ્લાવર શોથી મ્યુનિને 12.90 કરોડની આવક થઈ
અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર તાજેતરમાં ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતુ. ફ્લાવર શોમાં દેશ-વિદેશના રંગબેરંગી ફુલોના નજારાને માણવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તાજેતરમાં ફ્લાવરશો પૂર્ણ થતાં હવે દેશ-વિદેશના ફુલોના રોપાઓ વેચવાનો મ્યુનિએ નિર્ણય લીધો છે. શહેરની 5 નર્સરીમાં તાય 31મી જાન્યુઆરી સુધી ફુલોના રોપાની લોકો ખરીદી કરી શકશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવરશોને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો આવ્યા હતા. 26 જાન્યુઆરી સુધી ચાલેલા ફ્લાવર શોમાં દેશ-વિદેશના અનેક ફૂલોની સજાવટ કરવામાં આવી હતી. ફ્લાવર શોમાં જે સિઝનલ રોપા જોવા મળ્યા હતા, તે રોપા હવે લોકો ખરીદી શકશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ નર્સરી ખાતે અલગ-અલગ જાતના હયાત સિઝનલ રોપાનું વેચાણ કરવામાં આવશે. આજે 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીમાં રોપા ખરીદી શકાશે. 24 દિવસ સુધી ચાલેલા ફ્લાવર શોમાં 13 લાખ લોકોએ મુલાકાત લીધી છે, જેનાથી 12.90 કરોડ જેટલી આવક થઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવેલાં અમદાવાદ ઇન્ટરનૅશનલ ફલાવર શો-2025માં પ્રદર્શિત કરવામાં સિઝનલ પ્રકારનાં રોપાનું વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેચાણ કરવાનાં સિઝનલ રોપાની વિગતો અમદાવાદ મ્યુનિસિપલ કોપેરિશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in ઉપર મુકવામાં આવી છે. જેમાં વ્યક્તિ/એજન્સીએ ઓફિસનાં કામકાજનાં દિવસોએ રૂબરૂ અથવા ટેલિફોનિક સંપર્ક કરી રોપા મેળવી શકાશે. એક રોપાથી લઇ 100 અને 100થી 1000 રોપા સુધીનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. 10 રૂપિયાથી લઈને 235 રૂપિયા સુધીનો ભાવ રાખવામાં આવ્યો છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, શહેરમાં પાંચ જેટલી નર્સરીઓમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો દરમિયાન હયાત સિઝનલ પ્રકારના ફૂલો જેમાં ગજેનીલા, ડાયનથસ, સિલાસીયા, વિન્કા, કેલેન્ડુલા, ઓર્નામેન્ટલ કેલ, બીગોનીયા, હાયપોસ્ટીસ, સિલ્વર ડસ્ટ, પીટુનીયા, બુફોબિયા, કોલીયસ, સેવતી, સાલ્વીયા, એસ્ટર જેવા રોપા મળશે. જ્યારે 6ઇંચ ઊંચા ઓર્નામેન્ટલ કેલે, પોટ પાનસેટિયા, પોટ (પિટુનીયા સેવતી વગેરે) પોર્ટ કેલેન્ચો રોપા મળશે. 8 ઇંચના પોટ પાનસેટીયા અને 9 કેવીટી (ડાયન્જસ, પીટુનીયા વગેરે) મળશે. 42 કેવીટી (ડાયન્યા, પીટુનીયા. ગ્રીન રેડ અલ્ટનેન્થેરા વગેરે) પણ મળશે. પાંચેય નર્સરીઓ પર 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીમાં સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અને બપોરે બે વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. રોપા લઈ જવા માટે વસ્તુ, કન્ટેઇનર તથા વાહન ખરીદનારે લાવવાનું રહેશે. સ્થળ પર રોપા જોઈ, નક્કી કરી નિયત દર મુજબ ચુકવણી કર્યા બાદ રોપા આપવામાં આવશે. રોપા ખરીદનારે જ તેઓનાં સ્વખર્ચે સ્થળ પરથી રોપા ઉપાડી લેવાનાં રહેશે.