અમદાવાદમાં ઉતરાયણ પર્વને લઈને 30 ઓવરબ્રિજ પર તાર લગાવાશે
અમદાવાદઃ ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આવેલા 30 ઓવરબ્રિજ પર તાર લગાવવામાં આવશે. પતંગની દોરીના કારણે ટુ વ્હીલર ચાલકોને અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે. બ્રિજ પરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકો કે ચાલતા જતા લોકોને ગળાના ભાગે દોરી આવવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
અમદાવાદ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરના 23 જેટલા ઓવરબ્રિજ પર તાર લગાવી દેવામાં આવ્યા છે અને બાકીના 7 બ્રિજ પર તાર લગાવવાની કામગીરી ચાલી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉતરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરી પક્ષીઓને પણ ઇજા કરે છે. આવા પક્ષીઓને ત્વરિત સારવાર મળી રહે તેના માટે વિવિધ બિન સરકારી સંગઠનો કાર્યરત હોય છે ત્યારે જે પણ નાગરિકોને ઉત્તરાયણમાં કોઈ પક્ષી ઘાયલ જણાય તો તેમણે આવી સંસ્થાઓનો સંપર્ક કરીને પક્ષીઓની સારવાર કરાવવી જોઇએ.