ઉત્તર ભારતમાં શિયાળાની દસ્તક, રાત્રે લોકો ઠંડીનો કરી રહ્યાં છે અનુભવ
- દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી
- દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની શકયતા
નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ હવે વિધિવત રીતે વિદાય લીધી છે. બીજી તરફ હવે રાત્રિના સમયે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. ઉત્તરપ્રદેશ સહિતના ઉત્તરભારતના રાજ્યોમાં આગામી દિવસોમાં ઠંડી ચમકારો વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
ચોમાસાના વિદાયની સાથે જ શિયાળો હવે ઉત્તર ભારતના રાજ્યોમાં દસ્તક આપી રહ્યો છે દિલ્હી-એનસીઆરમાં હાલ દિવસે આકરો તડકો અને સાંજ પડતાની સાથે તાપમાનમાં ઘટાડો થાય છે અને લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં રાત્રીના સમયે ઠંડી પડવાની શરૂ થઈ ચુકી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી છતા લોકોને ગરમીનો અનુભવ થશે. 18મી ઓક્ટોબર સુધી વાતાવરણમાં આવું જ રહેશે. ઉત્તરપ્રદેશમાં હાલ રાત્રિના સમયે ઠંડી પડી રહી છે, જો કે, દિવસે આકરો તાપ તડે છે, ઉત્તરપ્રદેશમાં આગામી દિવસોમાં વાતાવરણ આવું જ રહેશે.
રાજસ્થાનના મોટાભાગના જિલ્લાઓમાં દિવસ અને રાતના તાપમાનમાંવધારો-ઘટાડો જોવા મળશે. હિમાચલ પ્રદેશમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. જો કે, 18મી ઓક્ટોબર સુધી હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષા થવાની શકયતાઓ નહીવત છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ભારતમાં વરસાદની ગતિવિધીઓ સતત વધી રહી છે. ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં હળવા વરસાદની શકયતા છે. 17મી ઓક્ટોબરની આસપાસ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.