વિમ્બલ્ડન 2025 : બ્રિટિશ જોડીએ ખિતાબ જીતી ઈતિહાસ રચ્યો
વિમ્બલ્ડન 2025ના પુરુષ યુગલ ફાઇનલમાં બ્રિટનના જુલિયન કેશ અને લોયડ ગ્લાસપૂલની જોડીએ ઇતિહાસ રચ્યો છે. ફાઈનલમાં તેમણે ઓસ્ટ્રેલિયન-ડચ જોડી રિન્કી હિજિકાટા અને ડેવિડ પેલને 6-2, 7-6 (3)થી હરાવી વિજય મેળવ્યો. જુલિયન કેશ અને લોયડ ગ્લાસપૂલની જોડી વિમ્બલ્ડન પુરુષ યુગલ ખિતાબ જીતનારી પહેલી બ્રિટિશ જોડી બની છે.
કેશ અને ગ્લાસપૂલે 1 કલાક 23 મિનિટ સુધી ચાલેલી રમતમાં જબરદસ્ત રમતદક્ષતા દેખાડી અને સ્થાનિક સમર્થકોના ઉત્સાહભેર સમર્થન વચ્ચે વિજય હાંસલ કર્યો. આ તેમની સતત 14મી જીત હતી. વિજય પછી જુલિયન કેશે જણાવ્યું, “અમે દબાણ વચ્ચે શાનદાર ટેનિસ રમ્યા. અમારા માટે સમર્થકોનો સહયોગ અમૂલ્ય રહ્યો. અમે વર્ષની શરૂઆતમાં બંને ધ્યેય નક્કી કર્યા હતા – ટ્યુરિન સુધી પહોંચવાનું અને ગ્રાન્ડસ્લેમ જીતવાનો. આજની જીત અમારા માટે બહુ વિશેષ છે.”
જુલિયન કેશે વધુમાં ઉમેર્યું, “ઘાસ પર વિશ્વના સૌથી ખાસ કોર્ટ પર જીતવું એ અમારું સપનું હતું, અને આજે તે સાકાર થયું.” આ મેચમાં બ્રિટિશ જોડીએ શરૂઆતથી દબદબો બતાવ્યો હતો. પ્રથમ સેટમાં તેમણે વિરુદ્ધી જોડીની સર્વિસ તોડીને 6-2થી સેટ જીતી લીધો હતો. બીજું સેટ ટાઈબ્રેક સુધી પહોંચ્યું, જ્યાં તેમણે 7-6 (7-3)થી મેચ જીતીને ટાઈટલ પોતાના નામે કર્યું. લોયડ ગ્લાસપૂલે કહ્યું, “અમે એકસાથે આ સિદ્ધિ હાંસલ કરી, તે અસાધારણ લાગણી છે. પહેલાં ફક્ત એક બ્રિટિશ વિજેતા હતો, હવે બે છીએ.”
ગત વર્ષોમાં એન્ડી મરે બ્રિટનના અગ્રણી ખેલાડી તરીકે ઓળખ મેળવેલી હતી. તેમણે 2013 અને 2016માં વિમ્બલ્ડન સિંગલ્સ જીત્યા હતા અને 2019માં ડબલ્સમાં પણ વિજય મેળવ્યો હતો. ઉપરાંત, 2012 અને 2016ના ઓલિમ્પિકમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યા હતા.