નવા ટુ-વ્હીલર સાથે ISI માર્કાવાળા હેલ્મેટ ફરજિયાત અપાશે ?
ભારતમાં માર્ગ સલામતીને મજબૂત બનાવવાના પ્રયાસમાં, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પ્રસ્તાવ મૂક્યો છે કે તમામ ટુ-વ્હીલર્સને બે ISI પ્રમાણિત હેલ્મેટ સાથે વેચવા જોઈએ. નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેને ટુ-વ્હીલર હેલ્મેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાનો સંપૂર્ણ ટેકો મળ્યો છે.
ભારતમાં માર્ગ અકસ્માતોના આંકડા અત્યંત ચિંતાજનક છે. દર વર્ષે 4.80 લાખથી વધુ માર્ગ અકસ્માતો થાય છે અને 1.88 લાખથી વધુ લોકો જીવ ગુમાવે છે. આમાંથી, 66 ટકા મૃતકો 18 થી 45 વર્ષની વયના છે. દર વર્ષે 69,000 થી વધુ લોકો મૃત્યુ પામે છે, ખાસ કરીને ટુ-વ્હીલર અકસ્માતોમાં. જેમાંથી 50 ટકા મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થાય છે.
ટુ-વ્હીલર હેલ્મેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (THMA) લાંબા સમયથી ફરજિયાત ISI પ્રમાણિત હેલ્મેટની માંગ કરી રહ્યું છે. THMA એ ગડકરીના આ સક્રિય નેતૃત્વની પ્રશંસા કરી છે. THMA ના પ્રમુખ રાજીવ કપૂરે જણાવ્યું હતું કે, "આ ફક્ત એક નિયમ નથી પણ રાષ્ટ્રીય જરૂરિયાત છે. હેલ્મેટ જીવન બચાવે છે, અને દરેક બાઇક ખરીદી સાથે તેને ફરજિયાત બનાવવું એ એક મહત્વપૂર્ણ પગલું છે. માર્ગ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો માટે, આ પગલું આશાનું કિરણ છે કે આવી દુર્ઘટનાઓ હવે અટકાવી શકાય છે."
હેલ્મેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને ખાતરી આપી હતી કે તેઓ ગુણવત્તાયુક્ત ISI હેલ્મેટનું ઉત્પાદન વધારશે અને દેશભરમાં તેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. ગડકરીની પહેલને માર્ગ સલામતીમાં એક સીમાચિહ્નરૂપ ગણાવતા તેમણે કહ્યું કે આ પગલું ભારતમાં સલામત અને સમજદાર ટુ-વ્હીલર મુસાફરીના નવા યુગની શરૂઆત કરશે. કારણ કે દરેક હેલ્મેટ પાછળ એક અમૂલ્ય જીવન છુપાયેલું છે.