રાહુલ ગાંધીએ કેમ પરંપરાગત રાયબરેલી બેઠકથી સાંસદ રહેવાનું કર્યું, જાણો...
નવી દિલ્હીઃ આખરે રાહુલ ગાંધીએ કેરળની વાઈનાડ લોકસભા બેઠક છોડી દીધી છે. વર્ષ 2024 ની લોકસભા ચૂંટણી રાહુલ ગાંધી ઉત્તર ભારતમાં યુપીની રાયબરેલી બેઠક અને દક્ષિણ ભારતમાં કેરળની વાઇનાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં બંને સીટ પરથી તેમનો વિજય થયો હતો. જોકે આ અગાઉ વર્ષ 2019 માં પણ રાહુલ ગાંધી બે બેઠક પરથી લોકસભા ચુંટણી લડ્યા હતા. અમેઠી અને વાયનાડ. તે સમયે વાઈનાડ બેઠક જીત્યા હતા. પરંતુ તે સમયે અમેઠી બેઠક પરથી હારી ગયા હતા. વર્ષ 2024માં કોંગ્રેસ રાયબરેલી સીટ ઉપરાંત બીજી પાંચ સીટ એમ કુલ મળીને છ સીટ ઉપર ઉત્તર પ્રદેશમાં જીતી ગઈ છે રાયબરેલી એ ગાંધી પરિવારની પરંપરાગત બેઠક ગણાય છે. ત્યારે ઍક નજર કરીએ કે રાયબરેલી બેઠક કેમ ગાંધી પરિવારની નજીકની ગણાય છે.
રાયબરેલી અને ગાંધી પરિવાર સાથેનો નાતો દાયકાઓ જુનો છે ભારત આઝાદ થયો 1947માં અને ત્યાર પછી પ્રથમ લોકસભા ચૂંટણી વર્ષ 1952 માં યોજાઇ અને ત્યારે રાયબરેલીની બેઠક પર જવાહરલાલ નેહરુના જમાઈ અને ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધી આ બેઠક પરથી લડ્યા હતા તે જ રીતે 1957 માં પણ ફિરોઝ ગાંધી રાયબરેલી થી લડ્યા અને જીત્યા જોકે 1960 માં ફિરોઝ ગાંધીનું નિધન થતા સીટ ખાલી પડી. ત્યારબાદ 1967 અને 1971 માં ઇન્દિરા ગાંધી રાયબરેલી સીટ પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા.
જોકે 1977 માં ઈમરજન્સી પછીના ગાળામાં દેશભરમાં જનતા પાર્ટીનો જુવાળ હતો અને ત્યારે 1977 માં પ્રથમ વખત રાયબરેલી બેઠક પરથી ઇન્દિરા ગાંધીનો કારમો પરાજય થયો, પ્રથમવાર જનતા પાર્ટીના રાજનારાયણની જીત થઈ બિન કોંગ્રેસી પાર્ટીનો રાયબરેલી સીટ પર આ પ્રથમ વિજય હતો 1980 માં જનતા સરકાર ભાંગી પડી. ફરી એકવાર લોકસભા ચૂંટણી આવી આ વખતે ઇન્દિરા ગાંધી આંધ્રપ્રદેશના મેડક અને યુપીના રાયબરેલી એમ બે સ્થળેથી લડ્યા. બંને સીટો પર ઇન્દિરા ની જીત થઈ. જો કે તેમણે તે સમયે રાયબરેલી સીટ ખાલી કરી. ત્યાર પછી રાયબરેલીની પેટા ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીના કઝિન અરુણ નેહરુને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા અને જીત થઈ.
તેવી જ રીતે 1985 માં અરુણ નેહરુ ને રાયબરેલી થી ઉતાર્યા અને જે હાંસલ થઈ. 1989 તથા 1991 માં કોંગ્રેસના નેતા શીલા કોલ રાયબરેલી બેઠક પરથી લડ્યા અને જીત્યા. જોકે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય ફલક પર વિસ્તરી રહી હતી. 1996 તથા 1998 માં ભાજપના અશોક સિંહ અહીંથી જીત્યા હતા. આમ આ બેઠક કોંગ્રેસના હાથમાંથી સરકી. 1999 માં કોંગ્રેસના સતીશ શર્મા એ ફરી એકવાર આ બેઠક જીતાડી આપી. વર્ષ 2004 થી રાયબરેલી બેઠકની કમાન સોનિયા ગાંધીએ સંભાળી. વર્ષ 2004 2009 2014 અને 2019 સતત સોનિયા આ બેઠક પરથી જીતતા આવ્યા. જોકે નાદુરસ્ત તબિયતને કારણે 2024 માં સોનિયા ગાંધીએ લોકસભામાં લડવાની બદલે રાજ્યસભાથી સાંસદ બન્યા.
2024 માં આ જ બેઠક પરથી રાહુલ ગાંધીને ઉભા રાખવામાં આવ્યા જેમાં તેમની ભવ્ય જીત થઈ. રાહુલે જીત હાંસલ કરી અને સિદ્ધ કરી બતાવ્યું કે કોંગ્રેસ ગમે ત્યારે ફિનિક્સ પક્ષીની જેમ બેઠી થઈ શકે છે હવે રાહુલે વાયનાડની બેઠક ખાલી કરતા અહીં બહેન પ્રિયંકા ગાંધીને પેટા ચૂંટણીમાં લડાવવામાં આવશે. પ્રિયંકા ગાંધીની જીત અહીં નક્કી માનવામાં આવે છે જો તેઓ જીતે છે તો આ પણ એક નવો ઇતિહાસ રચાશે કે સંસદમાં કોંગ્રેસના ગાંધી પરિવારનાં ત્રણ દિગજ નેતાઓ માતા સોનિયા ગાંધી, પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી એક સાથે નજરે પડશે.