યુગાન્ડાની જેલમાં કેમ કેદ છે ભારતીય અબજપતિની દીકરી ?
નવી દિલ્હીઃ 26 વર્ષની વસુંધરા ઓસવાલનું નામ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ભારતીય મૂળના સ્વિસ ઉદ્યોગપતિ પંકજ ઓસ્વાલની દીકરીની યુગાન્ડામાં અટકાયત કરવામાં આવી છે. ઉદ્યોગપતિએ આ મામલે સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ દાખલ કરી છે. વસુંધરા ઓસવાલ ભારતીય મૂળના સ્વિસ ઉદ્યોગપતિ પંકજ ઓસવાલની દીકરી છે. તેનો જન્મ 1999માં થયો હતો. ભારત ઉપરાંત તે ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝર્લેન્ડમાં ઉછરી છે. તેમણે પ્રો ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી અને તે તેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિને 1 ઓક્ટોબરના રોજ વસુંધરા ઓસવાલને યુગાન્ડામાં એક્સ્ટ્રા ન્યૂટ્રલ આલ્કોહોલ પ્લાન્ટની મુલાકાત દરમિયાન કેટલાંક હથિયારધારી લોકોએ તેમની અટકાયત કરી હતી. જાણવા મળ્યું કે તેમને પોતાની ઓળખ કાયદા અમલીકરણ અધિકારી તરીકે આપી હતી, પરંતુ જ્યારે વસુંધરાને કસ્ટડીમાં લેવામાં આવી ત્યારે તેમની પાસે ન તો કોઈ વોરંટ હતું અને ન તો તેમને કોઈ પ્રકારનું આઈડી પ્રૂફ બતાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અનુસાર વસુંધરા ઓસવાલને ખૂબ જ ખરાબ હાલતમાં રાખવામાં આવી છે. તેને 90 કલાકથી વધુ સમય સુધી ચપ્પલ ભરેલા રૂમમાં ગોંધી રાખવામાં આવી હતી. આ સિવાય તેમને ન્હાવા પણ દેવામાં આવ્યા ન હતા અને ખાવા-પીવાની સુવિધાથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હત્યા અને અપહરણના આરોપમાં વસુંધરાની અટકાયત કરવામાં આવી છે. વસુંધરાના પરિવારે તેમની મુક્તિ માટે સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કરી છે. તેમને યુગાન્ડાની સરકારને મદદ માટે પણ અપીલ કરી છે અને પંકજ ઓસ્વાલે યુગાન્ડાના રાષ્ટ્રપતિને પણ પત્ર લખીને તેમની દીકરીની મુક્તિ માટે હસ્તક્ષેપની વિનંતી કરી છે.